કિરણ જોગીદાસ ‘રોશન’ ~ આ તરફ દરિયો

🥀🥀

આ તરફ દરિયો હતો પેલી તરફ એક રણ હતું
બેઉ વચ્ચે હાંફતું એક ઘર તરસનું પણ હતું

જિંદગી માયાવી નગરી જેમ છેતરતી રહી
દ્રષ્ટિ ભરમાઈ સતત એ દ્રશ્યનું કામણ હતું

સોડ સન્નાટાની તાણી સૂતું સમરાંગણ ભલે
પણ હવામાં રાત આખી ગુંજતું હણહણ હતું

સ્વપ્ન તો એની જ મસ્તીમાં જતું’તું એકલું
ત્યાં પીછો કરતું છૂપું એક શક્યતાનું ધણ હતું

મૃત થયેલા પંખી સાથે ડાળ પણ કરમાઈ ગઈ
ડાળને એ પંખી સાથે કેવું તે સગપણ હતું!!

જે જગા પર વૃધ્ધ હિંમતની કથા કરતો હતો
બાંકડો એ જાણતો, કેવું વિવશ ઘડપણ હતું!

જે હવા એક આગ ઓલવવા ઘણી સક્ષમ હતી
એ હવા એક જ્યોતના જીવનનું પણ કારણ હતું

~ કિરણ જોગીદાસ રોશન

નવાં મજાનાં કલ્પનોથી શોભતી ગઝલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *