🥀 🥀
*નગર મધ્યે*
નગર મધ્યે સ્વાદ સીમનો, ગંધ ગામની એવી એવી પીડે રે
આંબે બેઠી પાકી કેરી આખેઆખી કોરી નાખી કીડે રે
હોઠ અડે જ્યાં નળનાં પાણી નદીકૂવાને ભાળું રે,
એ.સી.સ્વિચો જ્યાં જ્યાં સળગે, વડછાંયો સંભારું રે
અડધીરાતે નગરપંખી ફરે પરત ના નીડે રે
નીર નથી આ ફીણ છે કેવળ, કેમ તરસને ઠારું રે,
આંધી વચ્ચે ટમટમ દીવો, કેમ કરી સંભાળું રે?
મોલ ભરેલા સીમ વગડાનો દાટ વાળિયો તીડે રે
કલકલ કરતાં ઝેરી ઝરણાં, શ્વાસે શ્વાસે ફરતાં રે,
ફાસ્ટફુડિયા નાગફણીધર, ડંખ ગજબના ભરતા રે
આતમદેરી, સતકુબેરી કોરે મેલી મન મોહ્યાં છે મીંડે રે
નગર મધ્યે સ્વાદ સીમનો, ગંધ ગામની એવી એવી પીડે રે
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
ગીતનો સંપૂર્ણ પરિવેશ ધરીને આવતું આવેલું આ યે ઉનાળુ ગીત ! પણ વાતમાં છે – નગરજનો, નગરજીવન પ્રત્યે કટાક્ષની બાની!
‘વડછાયા’ અને ‘મોલ ભરેલા સીમ વગડા’ જેવા પ્રયોગોની સાથે ‘ફાસ્ટફૂડિયા’ જેવો શબ્દ આઇસક્રીમમાં ડ્રાયફ્રૂટની જેમ કેવો આરામથી ગોઠવાઈ જાય છે!
@@@@@
