સર્જક મણિલાલ હ. પટેલ * Manilal H Patel

સર્જક મણિલાલ હ. પટેલ
છાસ-રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે.
ગામ પ્રત્યે અદભૂત લગાવ ધરાવનાર કવિ મણિલાલ હ. પટેલ કવિતા વિશે લખે છે, “કવિતા મારો પ્રથમ પ્રેમ રહી છે. આજેય કવિતા લખાય એ દિવસ, અંદરખાને મને અને મારી ભીતરી ઠકરાતને અવસર જેવો લાગે છે. ક્યારેક તો એવી મજા પડી જાય કે મન ગામડે જઈને ખળામાં સુકાતા પરાળમાં થોડાક ગોટમડાં ખાવા માંડે છે. કવિતા જાદુગરણી છે; કવિતા વણજારણ ઋતુઓ જેવી છે, આવે આવે ને સરી જાય. પ્રકૃતિમાં પરખાય પણ ઝટ પકડાય નહીં. વેદના અને વ્યથાઓની વચ્ચે મારી કવિતા મોટી થતી – ઉછરતી રહી છે. મારા સીમ વગડામાં એ મને પહેલે આણે આવેલી નવોઢા પરણેતર જેવી શરમાળ પણ ચહેરેમહોરે તો લાલગુલાલ લાગી છે. રોટલા ઘડતી માના હાથ જેવી, રોટલા પરની આંગળીઓની ભાત જેવી, નાની બહેનના ગૌરીવ્રતના જવારા તથા અખંડ જાગરણ જેવી કવિતા ક્યારેક ડૂમો ને ડૂસકાં તો ઘણીવાર વાડે વાડે કંકોડા વીણતી નમાઈ છોકરી જેવી કવિતા મને બહુ બહુ ગમે છે.”
પોતાની કવિતા વિશે કવિના ભાવો આમ વહે છે.
કવિ પોતાની કિશોરવયમાં ડાયરી રાખતા હતા જેમાં બીજા કવિઓની પોતાને ગમતી કવિતા ઉતારતા. મોટાભાગના કવિતાપ્રેમીઓની આ ટેવ હશે. એમાં પહેલે પાને કવિએ નોંધેલું, ‘લાઈફ ઈઝ ગુડ બીકોઝ ઈટ ઈઝ પેઈનફૂલ.’ પીડામાં કવિતા કે પીડામાં જ જીવન શોધવાની આ પણ કવિઓની જ ખાસિયત.
કવિની પ્રથમ કવિતા ક્યારે અને કેમ આવી ? દિવાળીની રજાઓમાં ખેતરમાં કામ કરતાં કરતાં એમના મનમાં દલપતશૈલીમાં કવિતાના શબ્દો મનમાં ઘૂંટાતા હતા. એ જ સાંજે એમણે દીવાના અજવાળે એ કવિતાને કાગળ પર ઉતારી. અલબત્ત એ કવિતા કવિએ ભાવકને આપી નથી. એ એમનો પ્રારંભિક ઉમળકો હશે.
વિવેચકો કવિતાને સિદ્ધાંતના ત્રાજવે તોલે અને વધાવે કે ઉવેખે પણ સાચી વાત એ છે કે પહેલાં કવિતા ને પછી સિદ્ધાંતો. કાલિદાસે સિદ્ધાંતો જાણીને કવિતા નહોતી કરી, અખા ભગત કે કબીર કવિતાના સિદ્ધાંતો નહોતા ભણ્યા. એ તો ભાવોનો ઉદ્રેક છે જે પોતાની રીતે ધસમસતો આવે છે. પછી એને મઠારવાની પ્રક્રિયા ઓછીવત્તી થાય છે ખરી. અને કવિતાનું વાંચન પણ એના સ્વરૂપ વિશે, કવિતાનાં તત્ત્વો વિશે શીખવતું જાય છે. સાચા કવિનું, પ્રથમ જોડાણ હૃદય સાથે હોય છે. મસ્તિષ્ક એમાં પછીથી ભાગ લે છે.
આસપાસના લોકો કવિને ક્યાંક સહાયભૂત થતાં હોય છે તો ક્યારેક નાસીપાસ પણ કરતાં હોય છે. કવિ નવમા ધોરણમાં હતા અને પોતે ‘કલાપીનો કેકારવ’ વાંચવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે એમના શિક્ષકે, ‘જા જા એ તારાથી ઊંચકાશે પણ નહીં, હજી એ વાંચવાને બહુ વાર છે.’ એમાં કહીને નિરાશ કરેલા. પણ પછી દસમા-અગિયારમા ધોરણમાં પોતે જાતે જ દલપત-કલાપીનો અભ્યાસ કર્યો અને છંદો શીખ્યા. કલાપીની કવિતામાંથી કવિ ઘણું શીખ્યા. સાહિત્યસંસર્ગનું પરિણામ એ આવેલું કે કવિએ લખેલો નિબંધ ‘વર્ષાની સાંજ’ એમના શિક્ષકે બધા જ વર્ગોમાં વાંચીને સંભળાવેલો ! અને એના હરખમાં કવિને મંદાક્રાંતા છંદમાં બે પંક્તિઓ સ્ફૂરી આવેલી,
રાતે પાછી વીજ ચમકતી, ગાજતો મેઘ ઊંડો / વર્ષા દેતી મધુર ગમતો સંદેશ આજ રૂડો.
કવિ કરસનદાસ માણેક એમની સ્કૂલમાં આવેલા. કવિએ એમને પોતાની રચનાઓ વાંચી સંભળાવી. કવિના આશ્ચર્ય વચ્ચે એમણે એમાંથી એક રચના પસન્દ કરી અને ‘નચિકેતા’ સામયિકમાં છાપી. કવિના જ શબ્દોમાં ‘મારો ઉત્સાહ તો મહીસાગરના પૂર જેવો’. અને આ ઘટના મેટ્રિક થતાં સુધીમાં.
કવિનું બાળપણ બા વગરના ઘરમાં વીત્યું. માથે જવાબદારીઓના પોટલાં. પણ ગામડાંનું જીવન એટલે પ્રકૃતિના ખોળે કવિ ખીલ્યા. જે ઘરમાંથી ન જડ્યું તે વગડાએ દીધું.
કવિતા સાચા કવિની જીવનસંગિની હોય છે. લખાય ત્યારે કે ન લખાય ત્યારે પણ. કવિ કહે છે, ‘પહેલી પંક્તિ પ્રભુદત્ત હોય છે ને પછી એ પ્રવેગ ઘણીવાર ધસતો રહે છે. પ્રથમ પંક્તિની ઊંચાઈ જાળવવા મથામણ કરવાનું બને.’
કવિનું એક સોનેટ તેઓ કોલેજમાં ભણતા અને ટી.વાય.બી.એ.ના અભ્યાસક્રમમાં હતું ! ‘કંકાવટી’ના મુખપ્રુષ્ઠ પર એમનું સોનેટ છપાયેલું ! આવી સિદ્ધિઓ છતાં કવિને બહુ વહેલું સમજાઈ ગયેલું કે ‘કવિતા કશાયની અવેજી નથી. કવિતાને હાર કે જીત હોતી નથી. કવિતા ડંફાસ મારવા માટે નથી હોતી ! એ તો અસ્તિત્વનું સત્ય છે. કવિતાની મંઝિલ હંમેશા દૂર દૂર સર્યા કરે છે.’
શહેરમાં રહ્યા છતાં કવિ શહેરવાસી નથી થયા, ગામડું હજીયે કવિના અસ્તિત્વને અજવાળે છે. કવિતાએ કવિને સંબંધોનો મર્મ સમજાવ્યો છે, જીવનનો ધર્મ સમજાવ્યો છે, વિસ્મય અખંડ રાખીને શાણપણના પાઠ ભણાવ્યા છે.
ઉમદા કવિ, ઉત્તમ અધ્યાપક, લોકપ્રિય વક્તા તથા સર્જક વિવેચક તરીકે એમને બધા ઓળખે છે. એમનાં સુખ્યાત પુસ્તકો છેઃ માટી અને મેઘ, રાતવાસો, ભૂંસાતાં ગ્રામ ચિત્રો, માટીવટો, ધૂળમાં ઊડતો મેવાડ, અંધારું, લલિતા, અંજળ, તરસી માટી, તરસ્યા મલકનો મેઘ, સર્જક રાવજી, કથા અને કલા, કર્તા અને કૃતિ, તોરણમાળ, ગામવટો, સાતમી ઋતુ !
મને ગમતી કવિની એક કવિતા પણ નોંધીશ.
સાંજને સોડમથી ભરી દેતાં / રોટલા ઘડતી બાના હાથ / અષાઢી મેઘ અને નહિ ઝીલી શકાતી / શતશત નેવાંની ધાર / મારા શૈશવના ફળિયામાં / હજીય ચણતાં કબૂતર : મારી કવિતા.
અંગે અંગે ઘાસ થૈ વ્યાપી જતું તરણું, / પહેલા વરસાદે / વાડે વાડે કંકોડાં વીણતી નમાઇ છોકરી : મારી કવિતા.
ભીનાં ભીનાં અંધારાંની સાખે / વસ્ત્રો બદલતી કૂંપળ, / બેનનો ભીનો અવાજ / ભાઈની આંખોની આર્દ્રતા / ભવભવ ભીની આણ / ઘોર અંધારી રાતનાં નક્ષત્રો : મારી કવિતા.
ઘરની જાળીમાં મોટા થતાં / પડીયામાં પ્રગટેલા માતાના જ્વારા, / નિર્જળ તળાવની તિરાડો : મારી કવિતા.
બાપુજીનો ડૂમો / બેનનું ગૌરીવ્રતનું જાગરણ ; / ભીતરના જખમો, યુગોની પીડા / બાકી રહેલો દાવ
અહો રાત અહો રાત / સતત જાગરણ, જાગરણ : મારી કવિતા ~ મણિલાલ હ. પટેલ
કવિતા-વાર્તા-નવલ-નિબંધ-વિવેચનનાં 72 થી વધુ પુસ્તકો અને 35 જેટલા સંપાદનો આપ્યાં છે.
કવિના કાવ્યસંગ્રહો
1. પદ્મા વિનાના દેશમાં 1983 2. સાતમી ઋતુ 1988 3. ડુંગર કોરી ઘર કર્યાં 1996
4. વિચ્છેદ 2006 અને 2008 5. સીમાડે ઊગેલું ઝાડવું 2011 6. માટી અને મેઘ
7. ચૂંટેલી કવિતા 8. પતઝર (હિન્દી) 1999
એવોર્ડ – પારિતોષિકો
કવિના મણિલાલ હ. પટેલના પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદનાં સાત અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં છ પારિતોષિકો
‘રાતવાસો’ માટે – ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક (ગુજરાતી સાહિત્ય પરિષદ)
‘હેલી’ માટે – શ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર: મારવાડી સંમેલન, મુંબઈ
ઉત્તમ સાહિત્ય પુરસ્કાર : મારવાડી સંમેલન, મુંબઈ ‘વૃક્ષાલોક’ માટે
ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (ગુજરાતી સાહિત્ય સભા, અમદાવાદ)
‘ધૂળમાં ઊડતી મેવાડ’ માટે – નર્મદ સુવર્ણચંદ્રક: સુરત
ગુજરાત ગૌરવ પુરસ્કાર, ૨૦૧૯ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી
સુરેશ જોશી લલિત નિબંધ પારિતોષિક, ૨૦૧૭ (ગુ.સા.અ.)
જૉસેફ મેકવાન સાહિત્ય પુરસ્કાર, ૨૦૧૪ (જો, મે. ફાઉન્ડેશન, આણંદ)
અન્ય
C.A.S. ઍવોર્ડ / મુદ્રાચંદ્રક, અમરેલી * શ્રેષ્ઠ સોનેટ – કુમાર ચંદ્રક * કવિતા સામાયિકમાં બે વાર શ્રેષ્ઠ કાવ્યનો એવોર્ડ * સોનેટને કોફી મેટ્સ પુરસ્કાર * નવરોઝ પારિતોષિક, કોલકતા (‘તરસઘર’ માટે) * સાહિત્ય સંવાદ પારિતોષિક (‘લલિતા’ માટે), કૉલકતા * ધો. ૮, ૯ અને ૧૦માં નિબંધ કૃતિઓ પાઠ્યક્રમમાં (૨૦૦૪થી) * ધો. ૬ અને ૧૧ : મહારાષ્ટ્ર રાજ્યની ગુજરાતી પાઠમાળામાં * હિંદી, મરાઠી, ઓરિયા, અંગ્રેજી કવિતા, વાર્તાના અનુવાદો * સાહિત્યકોશ, વિશ્વકોશમાં ૫૦થી વધુ અધિકરણોનું લેખન * અભ્યાસ-ગ્રંથો, અભિનંદન-ગ્રંથોમાં ૪૦થી વધુ અભ્યાસલેખો * રિફ્રેશર કોર્સ, ઓરિએન્ટેશન-માં ૨૫૦થી વધુ વ્યાખ્યાનો * યુ.કે. અને અમેરિકામાં કાવ્યપઠન, વાર્તાલાપ * ગુજરાતની અનેક શાળા-કૉલેજ-યુનિ.માં ૪૦૦થી વધારે વ્યાખ્યાનો
*****
કવિ મણિલાલ હ. પટેલ
જન્મ : 9.11.1949 વતન ગોલાના પાલ્લા, લુણાવાડા જિલ્લો મહીસાગર.
વ્યવસાય : પ્રોફેસર
માતા-પિતા : અંબાબહેન હરિદાસ
જીવનસાથી : ગોપીબહેન
સંતાનો : પારૂલ, મલય, વિસ્મય
અન્ય શોખ : પ્રવાસ ને ખેતી
*****
માહિતી આધાર ‘કવિતા અને હું’ – સંપાદક હર્ષદ ત્રિવેદી
OP 9.11.22
***
કવિ મણિલાલ હ પટેલના જીવન કવન વિશે વિડીયો ~ સૌજન્ય : ગુજરાત સાહિત્ય અકાદમી
ખુબજ ઉત્તમ પરિચય
આવું માતબર સાહિત્ય રચનાર, કવિને આદર સાથે નમસ્કાર.
આદરણીય કવિને શુભેચ્છાઓ