*લાગે*
સવારો હવે તો વજનદાર લાગે
છે તડકો સુકોમળ છતાં ભાર લાગે
સજાવી કહી વાત તેથી મેં થોડી
સીધીસટ કહું તો નહીં સાર લાગે
વસંતોની કેફી ખુમારી છતાંયે
ફૂલોના સંબંધોમાં પણ ભાર લાગે
થૈ શરણાગતિ કેવી દૈવી તમારી
કે જીત્યા પછી પણ મને હાર લાગે
છે શું “ભગ્ન” એવું ગઝલમાં તે એની
ઊતરતાં જ દિલમાં તરત ધાર લાગે
~ જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
વાત સમયની છે…. વહી વહીને સુકાતા જતા સમયની છે. અને જ્યારે સમય સુકાતો અનુભવાય ત્યારે સંબંધો, આસપાસનું વિશ્વ અને પોતાની જિંદગી પણ ભાર બની જાય ! આ તબક્કો લગભગ દરેક માનવીના જીવનમાં આવે. કોઈને વહેલો તો કોઈને મોડો. જીવનની સંધ્યાએ આ અનુભવનારા અસંખ્ય. યાદ આવે ગની દહીંવાળાનો એક શેર
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે
રડી લઉં છું જ્યારે મને હૃદય પર ભાર લાગે છે.
આમ આ ભાર આંસુની ધાર વહેવડાવી શકે….
