અનંત રાઠોડ ~કશા કારણ વગર

🥀 🥀

*ચાલ્યું ગયું છે ક્યાંક*

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુંયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઈથી એક જણ મને જાણીબૂજીને સાવ અર્ધો ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉ ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનુ લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

~ અનંત રાઠોડ ‘અનંત

કઠિન કામ છે, આટલી લાંબી બહેરને નિભાવી એક સક્ષમ રચના રજૂ કરવી. કવિ એમાં સફળ થયા છે એમ કહી શકાય. કેમ કે ઢગલાબંધ શબ્દોના ભારને ભાવ અને અર્થના સૂત્રમાં પરોવાયેલા રાખવા તથા ગઝલનું રચનાસૂત્ર સંભાળવું એ એકસાથે બે ઘોડા પર સવારી જેવું કહી શકાય.

પ્રિયજનનું અગમ્ય કારણોસર જતાં રહેવું, કોઈનું ચાલ્યા જવું અને પછી જે જે થાય છે એ બસ થતું જાય છે, થયા કરે છે પેલી પીડાના ભાવને પોષતું….. અજંપાના લીલાછમ ઝાડને મ્હોરાવતું … અને આ કડી ક્યાંય તૂટતી નથી એ નોંધપાત્ર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *