બાલમુકુંદ દવે ~ એક દીપ

🥀 🥀

એક દીપ તણાયો જાય, જલમાં દીપ તણાયો જાય;
કમળ સમો ઘૂમે વમળોમાં, વાયુમાં વીંઝાય
જલમાં દીપ તણાયો જાય.

અંધારાંના અંચલ ભેદી પંથ પાડતો જાય,
તરંગની ચંચલ અસવારી કરી તેજ મલકાય:
જલમાં દીપ તણાયો જાય.

ઘડીક નમણી જ્યોતિ નાજુક સંપુટમાં જ સમાય,
ઘડી ભવ્ય ભૂગોલખગોલે દીપશિખા લહરાય
જલમાં દીપ તણાયો જાય.

વાટ વણી ના, ના પેટાવ્યો, પોતે પરગટ થાય
નહીં મેશ કે નહીં મોગરો કેવલ તેજલ કાય
જલમાં દીપ તણાયો જાય.

~ બાલમુકુન્દ દવે

(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *