પરબતકુમાર નાયી ~ એમ છોકરીનું મન  

*છોકરીનું મન*

એમ છોકરીનું મન ક્યાંથી જાણીએ ?
છોકરીનું મન એ તો દરિયો અતાગ, એમાં ડૂબકી મારીને જરા માણીએ.

છોકરાને તાગવી છે તળિયાંની રેત, કશો જાદુ દેખાય એવા લોભે,
છોકરીની મુઠ્ઠીમાં શંખલાં ને છીપલાંય મોતીથી અદકેરાં શોભે,
આછા અણસારે જે માછલી વીંધાય એને તીરનાં નિશાન શીદ તાણીએ ?

છોકરીને કોઈ વાર એવુંય થાતું, ચાલ જઈ બેસું કૂવાને કાંઠે
ઓરડાથી, ઉંબરથી, દૂર જઈ જોઉં કે બાંધ્યું શું કમખાની ગાંઠે ?
ખોલીને ગાંઠ ઝીણી આંખથી જુએ તો એની પાંપણ છલકાઈ જતી પાણીએ.

~ પરબતકુમાર નાયી

હરખપદૂડો છોકરો જરા ગંભીર થાય તો આમ વિચારે !

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *