દાસી જીવણ ~ સદગુરુએ મુને

*સતગુરુ*

‘સતગુરૂએ મુંને ચોરી શીખવાડી
ને જ્ઞાનગણેશિયો ઘડાયો રે

પવનરૂપી ઘોડો પલાણ્યો
ઊલટી ચાલ ચલાયો રે

ગંગા-જમનાના ઘાટ ઉલંઘી,
જઈને અલખ ઘરે ધાયો રે

ધમણ ધમુંકે તિયાં વીજું ચમકે,
અનહદ નોબત વાગે રે

ઠારોઠાર ત્યાં જ્યોતું જલત હૈ,
ચેતન ચોંકીમાંઈ જાગે રે

સાંકડી શેરી ત્યાં વાટું વસમી,
માલમીએ મુંને મૂક્યો રે,

નામની તો નિસરણી કીધી,
જઈને ધણીને મો’લે ઢૂકયો રે

શીલ સંતોષનાં ખાતર કીધાં,
પ્રેમે પેસારો કીધો રે

પેસતાંને પારસમણિ લાધી
માલ મુગતિ લીધો રે

આ રે વેળાએ હું ઘણું જ ખાટયો,
માલ પૂરણ પાયો રે,

દાસી જીવણ સતભીમને ચરણે,
મારો ફેરો ફાવ્યો રે.

~ દાસી જીવણ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *