🥀🥀
સોનેટ * શાર્દૂલવિક્રિડિત
*પુષ્પો ખરે આભથી*
કેવા ઢાળ મળે મને સતત આ, કેમે કરી પ્હોંચવું,
એનું નામ હશે કદાચ અઘરૂં, જાતે ચઢી ખેડવું,
આવી સંધિ સમી ઘડી સમયની, તે મંથનો પૂછતાં,
મારા પૂર્ણ થતાં જતાં કથન તો, બંધો થકી છૂટતાં.
જેનાં હાલ મળે કહે સ્મરણને, પોતે થજો સારથિ,
કેવાં જાણતલો મળે મરણને, રાખે વ્યથા જાગતી.
સંજોગો ધબકી રહ્યાં હ્રદયનાં, વાણી થકી બોલતાં,
વિશ્વાસે શર તાકિયું ચરણમાં, જાણી કરી રોકતાં.
આગંતુક વળી મળે પ્રથમ એ, લાવે ઘણી ધારણાં,
ખાળું હું વળતાં જતાં ઘર ભણી, વાસ્યાં જુઓ બારણાં.
ભારે ને વરવાં બને જગતનાં, પ્રશ્નો બધાં આપણાં,
બાળે આખર જાતને કરમ એ, કર્તા બની તાપણાં.
માન્યા છે સ્વજનો મળ્યાં સફરમાં, છો ના મળે નામથી,
સાથે જીવનમાં રહે હરખથી, પુષ્પો ખરે આભથી.
~ હરીશ શાહ
સરળ શબ્દોમાં છંદોબદ્ધ રચના ભાગ્યે જ મળે છે, બાકી આવી રચનાઓમાં હવે ભુલાઈ ચૂકેલા શબ્દોની એવી રંગોળી મળે કે આજની પેઢી એને સમજવાની તકલીફ ન જ લે. જ્યારે અહીં શાર્દૂલવિક્રિડિત છંદમાં લોકોને સમજાય એવી આજની ભાષામાં સોનેટ રચાયું છે એ સરસ વાત છે.
