જિજ્ઞા ત્રિવેદી ~ચાતરેલા માર્ગ પરથી

*ગઝલ*

ચાતરેલા માર્ગ પરથી દૂર પણ થાવું પડે,
ભીડમાંથી બહાર થોડા આપણે જાવું પડે.

કોઈનો ટહુકો ઉછીનો ક્યાં સુધી લેશો તમે ?
ખુશ રહેવા ગીત કોઈ આપણે ગાવું પડે.

એમ કંઇ વરસી પડે ના પ્રેમનો વરસાદ પણ,
આપણે પણ લાગણીથી દોસ્ત, છલકાવું પડે !

સ્થિર ક્યાં છે કે નિરંતર એક જેવો એ રહે,
આપણે તેથી સમય સાથે જ બદલાવું પડે !

વાત કરવી હો અહિંસાની છતાં ઓ દોસ્તો,
સત્ય કાજે રક્તથી ક્યારેક ખરડાવું પડે !

કેટલો કચરો પડ્યો છે, એમ જોવા આપણે –
જાતમાં ખુદ આપણી ક્યારેક ડોકાવું પડે !

જિંદગીનો ચેક એણે કિંમતી આપી દીધો,
કોઈના ઉપકાર માટે રોજ ખર્ચાવું પડે !

~ જિજ્ઞા ત્રિવેદી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *