*સોળ આનાની જિંદગી*
સોળ આનાની જિંદગી, બાર આનાનું દુ:ખ
ચાર આનામાં શું ખપે? તું હો બસ સન્મુખ
પાંચ આનાની કાયનો સાવ અનિશ્ચિત ખેલ
રોજ પીવાનો ધ્રાસકો વિધવા થઇ ગઈ ઢેલ
સાત આનાના વારમાં સપના સાત હજાર
આંખોથી જીરવાય નહીં તૂટેલો ભંગાર
આઠ આનાના દિ’ મહીં સુખના ખાલી હોજ
આઠ આનાની રાતમાં હીબકા ભરવા રોજ
દસ આનાના ખોબલે તિરાડ ભાળું એક
આંસુ ટાણે સરકંતા જોયા મિત્ર અનેક
ગ્યારહ આની નાવને તિલક કર્યું કુમકુમ
વૈતરણી તરવી હતી (પણ) બે ય હલેસા ગુમ
~ મુકેશ જોશી
કવિએ સોળ આની દુખ પીરસી દીધું છે.
