*જીવન ચકડોળ*
વાડી વંડી વીંધી વીંધી ચાદર મેં તો તાણી ….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી….
તું તું કરતાં તારું પગલું
હું હું કરતાં મારું પગલું
પગલીના થડકારે બેઠી કેવી પ્રેમ કહાણી!….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી….
જા જા કરતાં જાકારો દે
ના ના કરતાં હડસેલી ને
હાથ વગી રાખે છે જીભે સ્નેહ ભરી સરવાણી ….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી…..
હા હા માં છે મીઠી વાત્યું
લે લે કરતાં પડતી ભાત્યું
જીવનના ચકડોળે ઘૂમી દુનિયા ક્યાં સમજાણી ? ….
રેશમિયા દોરાની હારે ગુંથી લીધી વાણી…..
~ હર્ષિદા દીપક
આ ગીતમાં શબ્દોનું આવર્તન ભાવને વધારે દૃઢ બનાવે છે.
