*નખ બધાં કાપ્યાં પછી*
કેટલી નિરાંત થઈ છે નખ બધાં કાપ્યાં પછી;
જાત સાથે વાત થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
એટલે વિરોધ કાયમ એ સતત કરતાં હતાં;
રોજ ભેગી નાત થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
એ જ ગુનો છે અમારો એમને પંપાળતા;
જાણ એની આજ થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
નખપણાંના કારણો કેવા નડયા’તા હર ક્ષણે
આજ કેડી સાફ થઇ છે નખ બધાં કાપ્યાં પછી.
નખ વચાળે જાત આખી કોઈ દિ’ કોળી નથી;
છમ્મલીલી હાશ થઈ છે નખ બધાં કાપ્યાં પછી.
~ શિવજી રૂખડા
‘નખ બધાં કાપ્યાં પછી’ જેવું સાવ ભૌતિક અને ‘કવિતામાં આવી શકે !’ એવો પ્રશ્ન પણ જન્માવતો રદ્દીફ લઈને કવિ આવ્યા છે ત્યારે આ ભૌતિક લાગતાં શબ્દોની અર્થછાયા તપાસીએ તો જીવનનું એક સનાતન સત્ય નજરે ચડયા વિના ન રહે. ‘નખ’ તો સારી સમસ્યાઓનું મૂળ છે ને !
