*ટુકડા થયાં*
જ્ઞાની હતા એના જ હાથે સત્યના ટુકડા થયાં,
ને ચીર ખેંચ્યા એ સ્થળે કર્તવ્યના ટુકડા થયાં !
મનની અદાલતમાં કરેલા કેસના અંજામમાં,
વર્ષો પછી પામ્યા હતા એ તથ્યના ટુકડા થયાં!
સંજોગની તીણી નજર કેવી હશે ભોંકાઈ કે –
ગમતા હતા જે આંખને એ દૃશ્યના ટુકડા થયાં !
ઉલ્ટા લગાવી આંખ પર ચશ્મા જગત જોયું પછી,
અજવાસની સાથે રહ્યા, સાતત્યના ટુકડા થયાં !
એણે અહંની ટોચ પર જઈને પ્રહારો બસ કર્યા –
ને એ પછી સાચા ઠર્યા મંતવ્ય ના ટુકડા થયાં !
તોડ્યું હૃદય લો એ પછી ધબકાર પણ થંભી ગયો,
આંસુ સ્વરૂપે પ્રેમ નામે દ્રવ્યના ટુકડા થયાં !
~ જિજ્ઞા ત્રિવેદી
