પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ તારણ એ

*થયા પછી*

તારણ એ સામે આવ્યું છે ચર્ચા થયા પછી,
સંબંધ જર્જરિત બને સાંધા થયા પછી.

પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો,
ઉદાસ રહેવા લાગ્યો છે ડાહ્યા થયા પછી.

એ માને છે કે કંઈક તો જાદુ કર્યો છે મેં,
ના કોઈનાય થઇ શક્યા મારાં થયા પછી.

એક પળ રહી શકાશે નહીં દૂર, ભ્રમ હતો,
જીવતા જ છીએ હું ને તું જુદા થયા પછી.

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ગઝલના મત્લામાં સંબંધનું સત્ય રજૂ થયું છે. સંબંધમાં એકવાર તડ પડે પછી એ પહેલાં જેવો ક્યારેય બની શકતો નથી. તો બીજો શેર જીવનની ફિલસૂફી લઈને આવે છે. ડહાપણ, સમજણ માણસને ચેનથી જીવવા નથી દેતા. અને છેલ્લો શેર પણ એ જ સંબંધ અને જીવનનું સત્ય લઈને આવે છે. એકબીજા વગર રહી શકાશે નહીં એ કેવડો મોટો ભ્રમ હતો ! જુદાં થયા પછી આંખ ખૂલી જાય છે!   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *