શા માટે?
લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે
નહૈં તો અહીં એકીસાથે આ શાયરના અવાજો શા માટે?
આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું.
કાં વરસી લો કાં વિખરાઓ આ અમથાં ગાજો શા માટે?
મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?
આ જલતી શમાને ઠારો ના આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?
કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી,
‘પી’ ‘પી’ કહેનારા બોલે છે આ ‘પાજો’ ‘પાજો’ શા માટે?
દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?
નમન નમનમાં હોય છે કૈં વધતોઓછો ફેર નકી,
નહૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?
આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે
આ સ્હેજ ઉમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?
આ વાત નથી છાનીછપની ચર્ચાઇ છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે—‘મધુકર’નો મલાજો શા માટે?
~ મધુકર રાંદેરિયા (3.4.1917- )
મુંબઈની જયહિંદ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા. આધુનિક રંગભૂમિના લોકપ્રિય અભિનેતા. ગઝલ, સૉનેટ ઇત્યાદિ કાવ્યપ્રકારો અજમાવ્યા.
જન્મદિને વંદન
@@
