જીભતર
મેલા વરસાદમાં પલળ્યા હો
છાંયડા વિનાના રસ્તે ન હટતા પરસેવાને હડસેલતા હો
લોકલ ટ્રેનની ગરદીમાં છુંદાતા હો
દુર્ગંધમાં અકળાતા હો
જીવવા સાથે લગરીક પણ લગાવ ન રહ્યો હો
અને ચાલવાનું ખૂટે નહીં
ત્યારે સમજાય
ઘર એટલે શું
તમે જેને ઘર સમજો છો
તે મારા માટે કવિતા છે
ઘર તો ક્યારેક જ સજાવેલું હોય
બાકી તો વેરવિખેર
પણ એની એ જ ખુરશીમાં બેસી
એની એ જ રંગની ભીંત સામે જોતાં જોતાં
ફૂંકથી છારી હઠાવી ટાઢી ચાને હોઠે લગાડતાં
જૂના ધાબામાં એકાદ નવો ચહેરો વરતાય
કે મિજાગરે ત્રાંસી બારીની ફાટમાંથી દેખાતી
ઓળખીતી અણગમતી શેરીમાં
અજાણ્યો પવન ફરફરિયાં ઉડાવી જાય
અને એની એ જ રોજની ભૂખ માટે
એની એ જ દાળમાં
એનો એ જ રાઈમેથી લસણનો વઘાર પડે
તોય જીભે નવેસરથી રઘવાટ થાય
એમ જ
કવિતા નવા શબ્દને જીભ પર સળવળતો કરી દે છે.
~ દિલીપ ઝવેરી
અહીં વિષય એક વાસ્તવિક ઘરનો જે અંતે કવિતાથી શરૂ થાય અને કવિતા પર આવીને વિરમે. ઘર વિશે અહોભાવથી સારી સુંદર કલ્પનાઓ કરી શકાય. પરંતુ જે, જેવું છે એને એવું જ સ્વીકારવામાં વધારે પ્રેમ અને પૂરી સચ્ચાઈ ઊઘડે છે અને કવિતાને બીજું શું જોઈએ ? આ જ કવિતાના મૂળ ભાવ એટલે કે ‘જીવતર’ ની સાથે જોડી શકાય એવો એક નૂતન શબ્દ કવિની કલમથી જન્મે છે, ’જીભતર’ અને આપણા મનમાં કંઈક નવું સળવળે છે !
