રામ આવશે ~ ડૉ. પરેશ કળસરિયા

કણ-કણને થઈ ગઈ છે ખબર, રામ આવશે
શબરી બની ગઈ છે નજર, રામ આવશે

વનવાસ આ અવધનો હવે પૂર્ણ થઈ ગયો
બનશે ફરી એ રામનું ઘર, રામ આવશે

ગંગાને જેમ લાવ્યા ભગીરથ ધરા ઉપર
શ્રદ્ધામાં હોય એવી અસર, રામ આવશે

આંસુથી પગ પખાળવા કેવટ સમી છે હઠ;
આંખોની નાવે કરવા સફર, રામ આવશે

ભૂલ્યા સ્વયંની શક્તિ હનુમાન જેમ જે
પરખાવવા એ સૌનું હુનર, રામ આવશે

વીંધાઈ ગઈ છે નાભિ રઘુવીર-તીરથી
રાવણને પણ બધે જ નજર રામ આવશે

હૈયું હરખથી ઘેલું થયું છે હવે ‘પરેશ’
હા, રામ આવશે સિયાવર રામ આવશે

~ ડૉ. પરેશ કળસરિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *