ભલા માણસ
નજર છે સાફ સુથરી, તરબતર છે સ્વર – ભલા માણસ
કયો છે દેશ તારો ક્યાં છે તારું ઘર – ભલા માણસ
અહીં ઝાકળ- પવન -વાદળ – મહેક સહુ વર્જ્ય ચીજો છે
કહે તો ધૂળ – ધુમાડો કરું હાજર – ભલા માણસ
વફાદારી, વચન, વિશ્વાસ છે ક્યા શબ્દકોશોમાં ?
વણજ – વેપાર જેવા શબ્દ તું વાપર – ભલા માણસ
અહીં સામ્રાજ્ય છે કટ્ટરપણા ને દ્વેષનું કાયમ
ને તું સમજણ ને સમજાવટની વાતો કર – ભલા માણસ !
તને આ શુષ્ક – ઝેરીલી હવા માફક નહીં આવે
તુરત તારા વતન ભેળો ઉચાળા ભર – ભલા માણસ
કદાચિત વેળ વીત્યે સૌ અમે નાદાન સમજીશું
ભલા આખર તો રે’ છે બસ અઢી અક્ષર – ભલા માણસ !
~ ભગવાન થાવરાણી
સાફસુથરી નજર ને તરબતર વાણી જેવી જ ગઝલ!
પણ કવિ અહીં આપણી વચ્ચે જ વસે છે. અલબત્ત એમનો માંહ્યલો કોઈ દૂરના પ્રદેશનો વાસી હશે!
ઉમદા ગુજરાતી કવિતા તો તેઓ આપે જ છે અને સાથે સાથે સુંદર હિન્દી કવિતાઓ વીણી વીણીને એના એવા જ મજાના અનુવાદો પણ તેઓ આપે છે.
વાહ કવિ!
