અનિલ ચાવડા ~ તમને ખાલી

તમને ખાલી મળવું’તું

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણાં હમણાંથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે, ‘એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

~ અનિલ ચાવડા

વાત તો એ જ પ્રણયના રોમાંચની, અનેકવાર કહેવાયેલી પણ આ કવિની એને આલેખવાની શૈલી જુઓ ! ગીત સીધું હૈયે વસી જાય…
વિશિષ્ટ શબ્દપ્રયોગોની પણ નોંધ લેવી જ પડે ! જુઓ ‘વાદળવું ‘તું’ 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *