ક્ષણની સળી
અમે તો ગીત ગાનારા, પ્રીત પાનારા
સાવ છલોછલ જઈએ ઢળી,
પૂછીએ નહીં, ગાછીએ નહીં મનમાં જઈએ ઢળી,
કોઈના મનમાં જઈએ મળી..
આંખને મારગ અંદર જઈએ, ટેરવે કરીએ વાત,
સળગે સૂરજ આજ ભલેને નિતની શરદ રાત,
અમારે નિતની શરદ રાત,
આટલા ધગે તારલા એ તો વણ ખીલેલી મોગરકળી.
સાગરના એ ક્ષારથી છૂટા – આભથી અંતરિયાળ,
જલને વહેવું હોય તો પછી ક્યાંકથી મળે ઢાળ,
કાળની કંકુશીશી એમાં ચાંલ્લો કરવા ક્ષણની સળી,
અમે ક્ષણની સળી.
~ પ્રિયકાન્ત મણિયાર
@@
