રામ તમે આવો
રામ તમે આવો ને ગાદીએ બિરાજો !
આનંદના હિલ્લોળે આખો યે દેશ,
હવે દેશનું સુકાન સંભાળો !
રામ તમે આવો ને ગાદીએ બિરાજો !
મંગલિયુ ગાઈને તમને વધાવીએ,
તિલક કરે છે ભારત માત !
અણીના ટાંકણે આવી ઊભા છો,
કરો કરૂણાના સાગર પ્રભાત !
પાવન પ્રતાપી આ ભારતની ભૂમિના
કલ્યાણની ધુરા સંભાળો !
રામ તમે આવો ને ગાદીએ બિરાજો !
ફરી પાછાં સંકટના વાદળ છવાયા છે,
ફરી પાછું ધનુષ્ય ઉગામો,
દેશને અસ્થિર કરનારા હિંસક તત્વોના,
નાશ કરો સધળા મુકામો !
શાંતિ સુશાસનનું રાજ કરો અંકે અને
સદીઓ લગ ગાદીએ બિરાજો !
રામ તમે આવો ને ગાદીએ બિરાજો
~ પ્રફુલ્લ પંડ્યા
