બોલ ને!
કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.
ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને!
હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને!
જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને!
મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને!
~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
અંતે આવતો ‘ને’ શબ્દ દરેક શેરનું ભાવવિશ્વ વધારે સ્પષ્ટ અને ચુસ્ત કરી દે છે. અલબત્ત આગ્રહસૂચક ‘ને’ પછી પૂર્ણવિરામને બદલે ‘!’ ચિન્હ હોય તો જ એમ થાય ને! એમ લાગ્યું એટલે અહીં એ બદલ્યું છે. આશા છે કવિને વાંધો નહીં હોય!