ગઝલની ભાષા બીજો ભાગ ~ રવીન્દ્ર પારેખ * Ravindra Parekh
ગઝલની ભાષા ભાગ 2 ~ રવીન્દ્ર પારેખ
ગઝલનું ભાષા પોત બહુ મહત્વનું છે. ગઝલ ગુજરાતી પોત ધરાવે ત્યારે જરૂરી નહિ એવો અન્ય ભાષી શબ્દ ભાતમાં કાંકરીનો અનુભવ કરાવે છે. આખી ગઝલ ગુજરાતી હોય ને તેમાં એકાદ ઉર્દૂ કે અંગ્રેજીનો શબ્દ કારણ વગર આવી ચડે તો તે આગંતુક લાગવાનો જ. હરીશ મીનાશ્રુની આ પંક્તિઓ જુઓ:
પણે વગડામાં સૂકાં પર્ણની સીટી વગાડીને,
ચડી વૃક્ષોની ડાળી પર ખિઝાંઓ ઝૂમવા લાગી.
આ પંક્તિઓમાં પર્ણ, વૃક્ષ જેવા સંસ્કૃત શબ્દના ઉપયોગ પછી ખિઝાં જેવો શબ્દ ઊગેલો નહિ, પણ ચોંટાડેલો વધારે લાગે છે. આમ તો ઉર્દૂ શબ્દોની ભરમાર ઘટી છે, પણ ક્યારેક ડોકાઈ જાય છે ત્યારે થાય છે કે ઉર્દૂની જાણકારી માટે તેનો શબ્દ વપરાય છે કે બીજા ગુજરાતી પર્યાયો નથી મળતા એટલે ખપમાં લેવાય છે તે કહેવું મુશ્કેલ થઇ પડે છે. શોભિત દેસાઈ તો ઉર્દૂ સંધિ ગુજરાતી બનાવીને લખે છે. જુઓ:
અમારે દેવ-દેવી દોરા-ધાગા, સુખને દુખ છે પ્રેમ,
ખરા દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા.
અહીં દૈર-ઓ-હરમનો ઉર્દૂશૈલીનો પ્રયોગ કઠે છે. ક્યારેક એવું પણ બને છે કે ભાષા ગુજરાતી રાખી હોય,ને તેમાં સંસ્કૃત શબ્દ નડતર થઈને આવે. શૈલેશ ટેવાણીની આ પંક્તિઓ જુઓ:
લજ્જિત તમારા ઓષ્ઠના સોગંદ છે મને,
હસવામાં આમ કોઈ દિલ ન પાથરી શકે.
અહી હોઠ જેવો પર્યાય હાથ વગો હોય ને છતાં ‘ઓષ્ઠ’નો ઉપયોગ થાય તે કોઈ રીતે સહજ નથી લાગતો.. શિલ્પીન થાનકીની ૮ પંક્તિની એક ગઝલમાં પાંચેક શબ્દો ‘હરીતિમ’, ‘કિન્શુક’, ‘ગંધી’, ‘વાતાસ’ અને ‘આર્દ્ર’ સંસ્કૃતના જ આવે છે ત્યારે ગુજરાતી પર્યાયો મેળવવાની કઈ મુશ્કેલી નડે છે તે નથી સમજાતું. આવા આગંતુક શબ્દો ભાષાના સહજ પોત પર શાહીના ડાઘા જેવા જ લાગે છે. અમૃત ઘાયલની આ પંક્તિઓ જુઓ:
એહસાસ રહે હાલ કે ના હોવાપણાનો,
વલ્લાહ! મને એટલો બેહાલ કરી દે.
કંઈ એવો પ્રભુ, પ્રેમનો આ ચાલ કરી દે,
હર ગ્લાનિના જે લાલચટક ગાલ કરી દે.
જેને કહે છે શાયરી એ છે ખુદાની દેન,
એ ઈચ્છે તો ‘એહસાસ’ને ‘ઇકબાલ’ કરી દે.
જોઈ શકાશે કે ભાષાના ઉપયોગની સભાનતા ન હોવાને કારણે ઘાયલે એક જ ગઝલમાં ‘વલ્લાહ’, ‘પ્રભુ’ ને ‘ખુદા’નો ઉપયોગ કરવામાં છોછ નથી રાખ્યો. ગઝલમાં વાતચીતની ભાષા અપેક્ષિત છે, આમ છતાં ભાષા પરત્વે ઘણા ગઝલકારો બહુ સભાન હોતા નથી. એ પણ ધ્યાનમાં લેવાનું રહે કે એક કાળે જે ભાષા પ્રયોગ યોગ્ય લાગતો હતો તે ભાષાના વિકસિત સ્વરૂપને કારણે હવે વાસી લાગે છે. આજે પણ સોનેટમાં ‘મુજ’, ‘તુજ’, ‘વિણ’, ‘નિજ’ જેવા શબ્દો વપરાય છે. એ જ શબ્દો ગઝલમાં પણ એક તબક્કે વપરાતા હતા,પણ હવે ભાષાનો વધુ વિકાસ થયો છે ને વ્યવહારમાં તેનો ઉપયોગ રહ્યો નથી ને ‘મારું’, ‘તારું’, ‘વગર’ કે ‘વિના જેવા શબ્દો વધુ પ્રચારમાં છે ત્યારે એ શબ્દો જ વપરાય તે અપેક્ષિત છે. સોનેટમાં હજુ ભાષા સંસ્કૃતગંધી રહી છે ને ત્યાં કેટલીક વખત છંદ પાંચપાંચ લઘુનો આગ્રહ રાખે છે, એ સ્થિતિમાં ‘મુજ’, ‘તુજ’નો વપરાશ સહ્ય બને કદાચ, પણ ગઝલમાં એ અસહ્ય એટલે છે કારણ તેનું સ્વરૂપ વાતચીતની ભાષા ઈચ્છે છે. એટલે સહજ વ્યવહારુ શબ્દો વધુ ઉપકારક બનવાના. રાજેશ વ્યાસ ‘મિસ્કીનની જાણીતી ગઝલનો એક શે’ર જુઓ.
સાગરની જેમ ઓગળી જઈશ હુંય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.
હું ની સાથે ય આવ્યો છે. એનો અર્થ ‘પણ’ થાય છે. હવે હુંય નો અર્થ હું પણ થતો હોય તો પછી આવતો ‘પણ’ નકામો બને. હુંય પણ પ્રયોગ એટલા બધા સર્જકો કરે છે કે પણ-શબ્દ વધારાનો છે એવો ખ્યાલ પણ નથી આવતો. આવાં બીજા ઉદાહરણો પણ છે. મનોજ ખંડેરિયા એક ગઝલમાં બાકસના ખોખા એવો પ્રયોગ કરે છે તેમાં પણ બાકસ ને ખોખાનો અર્થ એક જ થતા બેમાંથી એક શબ્દ વધારાનો થઇ પડે છે. આ પંક્તિઓ પણ જુઓ-
શહેરની માચીસમાં, દીવાસળીમાં હુંય છું. -કિસન સોસા
આંજ આભા નિત્ય નૂતન નવ્યની. -રાજેન્દ્ર શુક્લ
નગર મીણનું ધોમ-તડકા અને હું. -મનોજ ખંડેરિયા
આ તરફ છે ઓમ ને પેલી તરફ છે બોમ શું થાશે હવે,
અહીં ગગન વ્યાપી ઋચાઓ ત્યાં ધડાકા ધોમ શું થાશે હવે? –
જેવી પંક્તિઓમાં માચીસ-દીવાસળી, નૂતન-નવ્ય, ધોમ-તડકાની અર્થચ્છાયાઓ એક જ છે. તો છેલ્લી બે પંક્તિમાં ધૂમ ધડાકાના અર્થમાં ધડાકા ધોમ આવ્યું છે, પણ ધોમનો અર્થ ધૂમ ન થતા તડકો થાય છે. ધૂમનું ધોમ કેમ કરવું પડ્યું? કારણ ઉપલી પંક્તિમાં બોમ કાફિયા છે, ને કાફિયા સાચવવા ધૂમનું ધોમ કર્યું, પણ તેથી અર્થ ને ભાવ બદલાય છે જે ગઝલને ઉપકારક નથી જ.
શરૂઆતમાં ગઝલ પંડિતોને હાથે સારી એવી વગોવાઈ. એક સમય હતો કે સોનેટ ન લખે તે કવિ ન ગણાય, આજે એવું છે કે ગઝલ ન લખે તે કવિ ન ગણાય. તેમાં પણ એવી સ્થિતિ આવી કે સોનેટ લખનારા કવિઓ પણ ગઝલ લખવામાં પડ્યા ને એવા પડ્યા કે બેઠા થવાનું ભારે પડ્યું. એક પણ સોનેટ કવિ ગઝલકાર તરીકે આગળ આવ્યો નથી, એટલું જ નહિ ગઝલ લખનારા કવિઓ સફળ સોનેટ પણ લખી શક્યા છે કે ગીતમાં પણ તેમણે કાઠું કાઢ્યું છે. સોનેટ લખવામાં જયંત પાઠક કે ઉશનસ આપણને સુપરિચિત છે, તેમણે ગઝલ પર હાથ અજમાવી જોયો.પણ ઝાઝી સફળતા તેમને ન મળી. આમાં બીજા સોનેટ કવિઓ પણ ખરા જ. એમને સફળતા ન મળી તેના મૂળમાં વાતચીતની ભાષાનો ઉપયોગ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા તે વાત પડેલી છે. ઉશનસમાં તો એવું થયું કે રદીફ, કાફિયાની પણ મુશ્કેલી થઈ. એમનો આ મત્લા જુઓ :
વગર ચાલ્યે જ, શય્યામાં જ જાણે પગ ભાગ્યા છે,
વીતેલા લાખ ભવના સામટા કંઈ થાક લાગ્યા છે!
અહી છે- રદીફ થઇ ને ભાગ્યા,લાગ્યા કાફિયા થયા. આખી ગઝલમાં રદીફ ‘છે’ રહેવી જ જોઈએ ને ભાગ્યા,લાગ્યા,જાગ્યા,વાગ્યા જેવા કાફિયા આવવા જોઈએ. પણ આગળ જતા કવિએ રદીફ થાક લાગ્યા છે- તરીકે નિભાવી ને કાફિયાના ઠેકાણા જ ન રહ્યા.જુઓ:
ખરું કહું? છેક આદિથી ખડે પગે ઊંચકી પૃથ્વી,
સૂરજની લાયમાં છાયા વગરના થાક લાગ્યા છે!
થાક લાગ્યા છે- રદીફ થઇ જતાં મત્લાના કાફિયા જળવાયા નહિ, ને આખી ગઝલમાં કાફિયા નિશ્ચિત થઇ શકે એવું બન્યું જ નહિ. ઉશનસ શિખરિણી, પૃથ્વી જેવા છંદો ચુસ્તીથી નિભાવતા હતા, પણ ગઝલના છંદોમાં એમણે વેઠ જ ઉતારી છે. અહીં પણ ‘ખડે પગે’ આગળ છંદ તૂટે છે. ઉશનસમાં તો એક જ શે’રમાં છંદ પણ બદલાતા રહ્યા છે.
એક ઉદાહરણ:
ક્યાં ગયો એ માંડવો, લીલી લીલા?
બોલાવતો એ બોખલો ક્યાં સ્વર હવે?
અહીં ઉપલી પંક્તિમાં છંદ -ગાલગાગા ગાલગાગા ગાલગા છે ને બીજી પંક્તિમાં છંદ-ગાગાલગા ગાગાલગા ગાગાલગા -થઇ ગયો છે. અગિયાર અક્ષરી છંદ બીજી પંક્તિમાં બાર અક્ષરી થઇ ગયો છે. ઉશનસ જેવામાં આમ બનવું જરા પણ સહજ ને સ્વીકાર્ય લાગતું નથી.
ખૂબ જ સરસ ધ્યાન દોરે એવી સમજ આપી છે.
ખુબ સમજવા લાયક લેખ