અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ ~ હું ગુલમહોર તું ગરમાળો & કેમ આજે ચૂપ છે * Anjana Goswami  

એક સંવાદ ગીત…

હું ગુલમહોર તું ગરમાળો
બેઉથી મઘમઘ ઉનાળો.

હું કેસરભીને વાન સજન,
તું તેજ તણું વરદાન સજન,
હું રંગ કસુંબલ ચૂંદલડી,
તું સાફો ઘૂઘરીયાળો.
હું ગુલમહોર તું ગરમાળો
બેઉથી મઘમઘ ઉનાળો.

તું મોસમનો શણગાર સખી,
ને હું એનો અણસાર સખી,
તું છોરી જોબનવંતી ને હું
છોરો કામણગારો.
તું ગુલમહોર હું ગરમાળો   
બેઉથી મઘમઘ ઉનાળો.

રંગે ભીંજયાં બેઉ આપણ,
રંગાયા ફળિયું ને આંગણ,
ધરા, ગગન રંગીન અને
રંગીન છે આ જન્મારો..
હું ગુલમહોર તું ગરમાળો,     
બેઉથી મઘમઘ ઉનાળો.

~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

‘હું અને તું’ – ‘અમે અને તમે’ શબ્દયુગ્મ પકડી અનેક ગીતોં લખાયાં છે. બધાંની ભાવસૃષ્ટિ અલગ અલગ હોય એ સ્વાભાવિક છે. ચુંદડી, સાફો, મોસમ જેવાં જાણીતાં સરળ અને લોકભોગ્ય પ્રતીકો લઈને આ ગીત રચાયું છે. ગુલમહોર અને ગરમાળો તો આ ગીતસૃષ્ટિના સ્તંભ બની ગયાં છે!  નાયક-નાયિકાનું આ સંવાદગીત ઉનાળાને મઘમઘાવે છે એ જરા જુદું અને ગમે એવું.

બોલ ને!

કેમ આજે ચૂપ છે કંઈ બોલ ને!
છે ધુમાડો ખૂબ, બારી ખોલ ને.

ટેક મૂકી છે કોઈની યાદની,
તું સ્મરણનું જૂનું શ્રીફળ છોલ ને!

હોય શંકા જો જરા પણ ન્યાયમાં,
ત્રાજવે તું કર્મ તારાં તોલ ને!

જે મિલનનો કેફ આપ્યો તેં મને,
એ નશામાં સાથે તું પણ ડોલ ને!

મેં ઉદાસીને વળાવી આખરે,
ના રડું દુઃખના વગાડી ઢોલ ને!

~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

અંતે આવતો ‘ને’ શબ્દ દરેક શેરનું ભાવવિશ્વ વધારે સ્પષ્ટ અને ચુસ્ત કરી દે છે. અલબત્ત આગ્રહસૂચક ‘ને’ પછી પૂર્ણવિરામને બદલે ‘!’ ચિન્હ હોય તો જ એમ થાય ને! એમ લાગ્યું એટલે અહીં એ બદલ્યું છે. આશા છે કવિને વાંધો નહીં હોય!

5 Responses

  1. Minal Oza says:

    ઉનાળાને મઘમઘતા કરી ઉરના આંગળા ખોલાવી નાખે એવી ઊર્મિલ રચનાઓ. મુકાયેલું ‘!’ ચિહ્ન સાર્થક છે.

  2. ઉમેશ જોષી says:

    બન્ને રચના સ…..રસ.

  3. કવિયત્રી ‘અંજુમ આનંદ ‘ની બંને રચનાઓ મનભાવન છે. સરસ ભાવાભિવ્યક્તિ.

  4. સરસ રચનાઓ ખુબ ગમી

  5. Jigna mehta says:

    Wah saras

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: