ક્ષણો
ક્ષણો નથી કંઈ કાચ તણું કોચલું કે
ક્ષણોને આપો છો ભ્રમણાનું નામ,
ક્ષણોની ભોગળને ખોલો કે અંદરના
ઝળહળતા ઓરડા તમામ.
ક્ષણો તો શ્વાસ તણું પહેલું છે પારણું ને
ક્ષણો છે પ્રગટી જે પહેલી તે પ્રીત,
ક્ષણોને હેતભર્યું સ્પર્શો તો રોમરોમ
ઊગશે જે કૂંપળના ફૂટવાનું ગીત.
ક્ષણોનો વડલો આકાશભરી ઊગે તો
ડાળ ડાળ ડોલે છે રૂપેરી નીડ,
ક્ષણોનાં ઝરણાંને ઝીલું બંધ પોપચે ને
સમણામાં સરોવરની અડાબીડ ભીડ.
ક્ષણોનાં મોતીને વેરું વેરાનમાં ને
ગુલોના લૂમઝૂમ લે‘રે છે બાગ,
ક્ષણો તો ફાગણિયા-કાયની ચૂંદડી ને
ક્ષણો છે છાતીમાં ફોરે તે ફાગ.
ક્ષણોની ભીતરમાં ઊતરો ને યુગોની
દેખાશે એક નહિ નાનીશી રેખ,
ક્ષણોના સમદરમાં ડૂબીને જુઓ કે
ભીતર ને બહાર બસ લહેરે છે એક.
~ વ્રજલાલ વઘાસિયા (26.6.1935-)
જન્મદિને કવિને સ્મૃતિવંદના
