ગળ્યાં આજે એવાં
તને પહેલી જોઈ અતલ ઉરમાં થૈ ચમક ને
ઠરેલાં ને ઊંડાં સરવરજલે કંકર પડ્યો
રચીને વર્તુળો ઉતરતટપ્રદેશે જલ ધસે!
તટેથી રેલાતો વિરલ રસ, બે સારસ હસે!
પછી તારામૈત્રી, ઉભય ઉરનો તાગ, વિફલ!
ધૃતિ ધારી કાળે મન-મીન ફસાતું પ્રીતિ-ગલ.
રસૈક્યે એકાકી દ્વિદલ, ઉરની એક જ ગતિ
પ્રમાણી અન્યોન્યે અનુકૂલ રસાર્દ્રા સ્થિર રતિ.
મનોનુકૂલા શી! રજરજ વસે, એક જ મતિ,
પરસ્પર વ્યવહારે મન-હૃદય સંવાદીલી ગતિ.
અભેદે અન્યોન્યે રસ ગહનમાં મજ્જન કીધું,
કશું દીધું કોને? નિજનું કશું? સર્વસ્વ જ દીધું.
ગળ્યાં આજે એવાં રસ, રસનિધિ શાન્ત છલકે,
શશિને પ્રેક્ષીને અવનિ પરનો અબ્ધિ મલકે!
~ રણજિત પટેલ ‘અનામી’ (26.6.1918-2009)
જન્મદિને કવિને સ્મૃતિવંદના
‘કાવ્યસંહિતા’ પ્રથમ કાવ્યસંગ્રહ

બન્ને કવિઓને સાદર સ્મરણ વંદના.
વાહ બંને કાવ્યો માણવાની મજા પડી.