જટિલરાય વ્યાસ ~ હવે નૌકા તો શું

પણ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?

કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.

હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.

હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.

જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?

મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !

તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.

મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.

‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.

~ જટિલરાય કેશવલાલ વ્યાસ 15.9.1915

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *