ડો. ધીરજ બલદાણિયા

ચંદ્ર પર ~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા

ચંદ્ર પર મારુંય ખુદનું ઘર હશે!
સહુ સગાં ત્યાં આવવા તત્પર હશે!

રોજ જે બકરીને હું જોતો હતો,
એય મારા આંગણા ભીતર હશે!

‘ડોશીમા’ જે દૂર દેખાતાં હતાં,
એમનો હાથ આજથી શિર પર હશે!

ચંદ્રયાને ચકચકિત ફોટા લીધા,
કેટલા ત્યાં સ્વર્ણના પથ્થર હશે!

‘ચંદ્રમામા’ આટલા સોહાય, તો,
‘રોહિણી મામી’ય શું સુંદર હશે!

સાંભળ્યું – ત્યાં ‘ગ્રેવિટી’ છે સોળ ટકા,
‘છગ્ગો’ મારો છ ગણ્યો અધ્ધર હશે!

ચંદ્રયાન એકમેવ, દક્ષિણે જતાં,
દેશ મારો, વિશ્વથી સધ્ધર હશે!

જોઈ તપ વૈજ્ઞાનિકોનું આકરું,
થાય – એનાં રૂપમાં ઈશ્વર હશે!

ફાવી જાશે ત્યાંની જો આબોહવા,
તો, ‘ધીરજ’નું સો વીઘા ખેતર હશે!

~ ડૉ. ધીરજ એસ. બલદાણિયા

સંકલિત સામગ્રી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *