મહેન્દ્ર જોશી ~ જીતના છોડી પ્રપંચો

બહાર આવ 

જીતના છોડી પ્રપંચો હારમાંથી  બહાર આવ
તું પ્રથમ તલવાર જેવી ધારમાંથી  બહાર આવ

મૂઢ મન, તું ક્યાં લડે છે કોઇની સામે હજુ ?
યુધ્ધ કર કાં યુધ્ધના પડકારમાંથી બહાર આવ

એક પળને છે હજારો જીભ જાણે રાક્ષસી
ભય બધો ખંખેર ને ફુત્કારમાંથી બહાર આવ

કોઈ પડછાયો પડ્યો ને મોરપીંછું થઈ ગયો
વન ભૂલી જા, વાદળી અવતારમાંથી બહાર આવ 

સૌમ્ય શીતળ આ હવામાં ક્યાંક પંખીઓ ઊડે
તું સખત તારા દીધેલાં દ્વારમાંથી બહાર આવ

ઊંચકી લે સ્કંધ પર બાળક સમો તડકો તરલ 
‘ને ઉમરના સૌ જરઠ અધિકારમાંથી બહાર આવ

તું કમળ મધ્યે પુરાઈ ભેદ ક્યાં પામી શકયો ?
આ મુલાયમ રેશમી અંધારમાંથી બહાર આવ

ક્યાં રહ્યો છે લાકડીમાં કોઈ જાદુ પણ હવે ?
દેવદૂતોના એ કારગારમાંથી બહાર આવ

~ મહેન્દ્ર જોશી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *