રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ જંપવા દેતું નથી

જંપવા દેતુ નથી

જંપવા દેતુ નથી પળભર મને,
કોણ કોરી ખાય છે અંદર મને.

કોણ જાણે કેમ પણ જઉં છું નડી,
હું થવા દેતો નથી પગભર મને.

નામ બીજા પણ ઘણા છે દોસ્તો,
એકલા વાગ્યા નથી પથ્થર મને.

ઝેર ભોળા થાવ તો પીવું પડે,
બસ ગમે છે એટલે શંકર મને.

વસવસો, કે જોઈ ટોળામાં પછી,
તેં ગણી લીધો હશે કાયર મને.

પ્રશ્ન તો મિસ્કીન કેવળ એક છે,
પણ જડ્યા છે કેટલા ઉત્તર મને?

~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અજંપો એ કવિમાત્રનો સ્થાયી ભાવ હશે. કલમ ચલાવવા માટેનું એ ઉદ્દીપક હશે એમ જરૂર લાગે. સંતોષી જનને તો કશું કરવાપણું જ ન રહે ! આ ગઝલનો બીજો શેર પણ આ ભાવનું જ અનુસંધાન લાગે છે. પોતે જ પોતાને નડવાની વાત આ અજંપાનું પરિણામ ને ? છેલ્લો શેર પણ ખૂબ સભર. સવાલ એક જ છે ને ઉત્તરો અનેક. જેટલા ભેજા એટલા ભાવ ! અરે, ખુદ આપણું મન પણ કેટલા વિકલ્પો સર્જતું હોય છે !

1 thought on “રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ ~ જંપવા દેતું નથી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *