ઝઘડો લોચન–મનનો
લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.”
“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ !
“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.”
“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.”
“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.”
“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.”
મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.”
એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય.
સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.”
~ દયારામ (16.8.1777 – 28.2.1853)
