
🥀🥀
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા
કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા.
સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે
છે શરત એકજ ભીતરથી શુદ્ધ થા.
સામનો કર હાલમાં સંજોગનો
શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા.
તું નરોવા કુંજરોવા કર નહીં
મારી સાથે કાં પછી વિરુદ્ધ થા.
એ બહુ નુકશાન કરશે જાતને
તું નજીવા કારણે ના કૃદ્ધ થા.
એ જ તો ‘નાદાન’ અંતિમ ધ્યેય છે
નામ લઈ ઈશ્વરનું તું સમૃદ્ધ થા.
~ દિનેશ ડોંગરે ‘નાદાન’
કવિની આ ગઝલ લોકોને ખૂબ પસંદ આવી છે, એ તો સરસ પણ આ ગઝલના પ્રથમ બે શેર મેઘાણીના નામે ખૂબ ફર્યા. મારી સામે જ્યારે આવ્યા ત્યારે મેં સુધારો કરીને મોકલ્યા પણ…..
જાણીતી ફિલોસોફીથી આખી ગઝલના તાણાવાણા ગૂંથાયા છે. પણ રજૂઆતમાં ગમે એવી છે. શરૂઆતના શેર ખૂબ અસરદાર થયા છે તો કાફિયાની યોજના ધ્યાન ખેંચે એવી છે.
આ જ કવિની એક બીજી ગઝલ
શબ્દની સુગંધ ફેલાઈ જશે, નક્કી જ છે
આપમેળે અર્થ સમજાઈ જશે, નક્કી જ છે.
એમનાં પગલાં થશે તો, મ્હેકશે વાતાવરણ
ને પછી સંબંધ ચર્ચાઈ જશે, નક્કી જ છે.
હા, ક્ષિતિજે આગમન સૂરજનું થઈ જાશે અને
આ બધો અંધાર વિખરાઈ જશે, નક્કી જ છે.
જે હશે, જેવો હશે, એવો જ ચહેરો એક દિ
મુખવટો ભેદીને ડોકાઈ જશે, નક્કી જ છે.
તું અહમને પોષવા નાસ્તિક થઈ ફરતો ભલે
ઈશ્વરી અસ્તિત્વ પરખાઈ જશે, નક્કી જ છે.
આપ નાહક ના કરો ખાંખાખોળા એના વિશે
જો હશે કંઈ સત્ત્વ, દેખાઈ જશે, નક્કી જ છે.
તું છુપાવી નહિ શકે ‘નાદાન’ દિલની વેદના
આંખડી અશ્રુથી છલકાઈ જશે, નક્કી જ છે.
~ દિનેશ ડોંગરે
આપનો હૃદયપૂર્વક આભાર લતાબેન.
ગઝલ બાબતે દિનેશ ડોંગરે એટલે વડોદરાનું એક મોંઘુ ઘરેણું
બન્નેવ સરસ ગઝલ,👌👌👌👍
પ્રિય મિત્ર કવિ ‘નાદાન’ ની બંને ગઝલો ખૂબ જ સરસ. એમના ઉમદા ગઝલ કર્મ વિષે ઘણું કહીં શકાય.
પહેલી ગઝલ મેઘાણીને નામે ખોટી ફરે છે ખબર, પણ એ દિનેશ ડાંગરે છે એ આજે સ્પષ્ટ થયું. આભાર લતાબહેન.