લતા હિરાણી ~ લે, આ વરસ્યું જળ

☘️☘️

*લે, આ વરસ્યું જળ*

લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…

બુંદ-બુંદ ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ…

દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…

~ લતા હિરાણી

“કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે. – વિવેક ટેલર  

વરસાદની મોસમ પૂરબહારમાં બેસી ગઈ છે, ત્યારે આ મારું જ ગીત વિવેકભાઈ ટેલરે મને યાદ કરાવ્યું. (લયસ્તરો.કોમ) આભાર વિવેકભાઈ.

9 thoughts on “લતા હિરાણી ~ લે, આ વરસ્યું જળ”

  1. દોડે કૂદે વહે છલકતું…
    વરસાદી કવિતા દોડતી, વહેતી અને છલકાતી ન હોય તો ભીંજાવાની મજા શી? અહીં કવયિત્રી એ જળ ની પારદર્શિતા મા કવિતા ને પરોવી છે.

  2. Pragna vashi

    લે,આ વરસ્યું જળ
    સરસ ગીત ખૂબ ગમ્યું . ગીતની રવાની પણ ગમી .
    અભિનંદન લતાબેન .

  3. આભારી છું પ્રજ્ઞાબેન, મિનલબેન, જ્યોતિબેન, વિજયભાઈ, મેવાડાજી, છબીલભાઈ, પરબતભાઇ અને ‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રો.

  4. શરૂઆતથી અંત સુધી અંતરને જકડી રાખતી રચના .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *