🥀🥀
શ્વાસની વાત ક્યાં? તુંય તારો નથી,
છે અસલ જાત ક્યાં? તુંય તારો નથી.
જે મળ્યું તેય પણ ક્યાં કશું આપણું
કોઈ ઓકાત ક્યાં? તુંય તારો નથી.
જે હતું, જે હશે, જેમનું તેમ છે,
આગવી ભાત ક્યાં? તુંય તારો નથી.
જે થતું થાય છે, ‘હું‘પણું શું કરે?
તંત, ઉત્પાત ક્યાં? તુંય તારો નથી.
ભેદ તો ભેદ છે, ભેદને ભેદ મા,
જ્ઞાત, અજ્ઞાત ક્યાં? તુંય તારો નથી.
~ દતાત્રેય ભટ્ટ
વાત સીધીસાદી છે, હિન્દુ ફિલોસોફીમાં વણાયેલી છે પણ રજૂઆત સ્પર્શી જાય છે કેમ કે સીધી અંદરથી ઊગીને શબ્દોમાં વહી હોય એવું લાગે છે. શબ્દો સરળ પણ શબ્દગૂંથણી લાજવાબ અને પરિણામે ભાવનું વહન એક ઊંડી અસર છોડી જાય છે.
છેલ્લા શેરમાં ‘ભેદ’ શબ્દનું પુનરાવર્તન ભાવને કેટલો અર્થસભર બનાવીને દૃઢાવે છે !
જીવનની અસારતા….. ‘હું’, ‘મારું’ની નિરર્થકતા ચોટ પહોંચાડયા વગર અંદર સોંસરવી ઊતરી જાય છે.
ગઝલની બહેર પ્રમાણમાં ટૂંકી છે અને એમાં ‘ક્યાં? તુંય તારો નથી’ જેટલો લાંબો રદીફ કવિ કુશળતાનો પરિચય આપે છે કેમ કે એની આગળ, કાફિયા સાથે માંડ એક શબ્દની સ્પેસ કવિને મળે છે. તોય જુઓ, પ્રવાહિતા પૂરી.
**
કવિની આ ગઝલ પણ ખૂબ ગમી. મત્લાનો શેર જ મન મોહી લે છે.
🥀🥀
શબ્દ કેવળ, શબ્દ કેવળ, શબ્દ કેવળ હોય છે,
શબ્દ પાસે કામ લેવામાં જ ત્રેવડ હોય છે.
હું ભલે પર્વત સમો લાગું તમોને; પણ કદી,
કાન માંડી સાંભળો મુજમાં ય ખળખળ હોય છે.
રોશની ક્યાંથી તિમિરનાં દ્વાર તોડી નીકળી?
એમ લાગે છે કે એના ગઢમાં ય તડ હોય છે.
શાંત છું પણ શાંતિથી છું હું સભર એવું નથી,
શાંત પાણીની ય ભીતર તીવ્ર ખળભળ હોય છે.
વાંસ અંદરથી બળે ને બ્હારથી આખ્ખો રહે,
એમ માણસ હોય છે અકબંધ, ભડભડ હોય છે!
ઠોસ એમાં ક્યાં કશું ક્યારે કદી કૈં હોય છે?
ઊડતી અફવા મહીં તો માત્ર અટકળ હોય છે.
એ જ કારણથી એ આપસમાં ભળી શકતા નથી,
એમના વે‘વારમાં કૈં કેટલાં વળ હોય છે!
ડૂબકી મારી છતાં હું ના કદી પ્હોંચી શક્યો,
ઊર્મિના સાગર મહીં કૈં કેટલાં તળ હોય છે!
એ જ લોકો વાત સીધીસટ કરી શકતા નથી,
જેમના મનમાં સરળતા ના મળે, સળ હોય છે.
એમ શબ્દોની રમતથી કૈં ગઝલ બનતી નથી,
શબ્દ સાથે શાયરે તપવાનું પળપળ હોય છે.
એમ માનીને અમે ઓઢી કફન લીધું હતું,
કે કબરમાં ચેનથી સૂવાની સગવડ હોય છે.
— દત્તાત્રય ભટ્ટ

દત્તાત્રેયની કસાયેલી કલમથી ઘણી ઉત્કૃષ્ટ ગઝલો સાંપડી છે. મારા ગમતાં કવિને સાદર અભિનંદન. 🙏
આભાર 🌺🌹🌺
આભાર 🌺🌹🌺
આ વાયુમંડળ નો ક્યાંયે કોઈ કિનારો નથી
શ્વાસ તો બધા લેછે પણ કોઈનો સથવારો નથી
કે બી
આપનુ કાવ્ય ખુબ સુન્દર ને સમજદારી ને વરેલું છે
ધન્યવાદ
આભાર 🌺🌹🌺
આભાર 🌺🌹🌺
બન્ને રચનાઓ સરસ 👌👌
આભાર 🌺🌹🌺
બંને ગઝલો ખૂબ સરસ, માર્મિક પણ સરળ શબ્દો.
દત્તાત્રેય ભટ્ટ ઉત્તમ ગઝલકાર છે. તેમની રચનાઓ ઊંડા ચિંતનથી ઉદભવેલી અને ચોટદાર હોય છે. કવિ અને કાવ્યવિશ્વ’ ને અભિનંદન!
આભાર, હરીશભાઈ!🌺🌹🌺
Enjoyed
એમ માનીને અમે ઓઢી કફન લીધું હતું,
કે કબરમાં ચેનથી સૂવાની સગવડ હોય છે.
saras.
બન્ને રચના ગમી
અભિનંદન અભિનંદન
આભાર!
સરસ,સરળ ને માર્મિક ગઝલ. અભિનંદન.