કિશોર બારોટ ~ લંબ ચોરસ બારીએથી

🥀🥀

*મરણાસન્ન વ્યક્તિની ગઝલ*

લંબ ચોરસ બારીએથી ઝાંકવાનું છે હવે,
એક ટુકડો આભ ત્યાંથી ચાખવાનું છે હવે.

જીવ પર આવી, ઝઝૂમી, શ્વાસ લેવાના સતત
કાળ સામે યુદ્ધ નોખું માંડવાનું છે હવે

એક સાંધે, ત્યાં જ તૂટે તેર નાડી સામટી,
આભ ફાટ્યું, ક્ષીણ દોરે સાંધવાનું છે હવે.

જીવ માફક જાળવી જેનું હતું કીધું જતન,
સાવ નોંધારા મૂકી દઈને જવાનું છે હવે

રોમરોમે લાખ વીંછી ડંખ મારે છે સતત,
ઓશિયાળા મૌનથી ચિત્કારવાનું છે હવે.

ભરબપોરે સૂર્ય ટાઢોબોળ થાતો જાય છે,
કઈ ક્ષણે થાશે બરફ એ ધારવાનું છે હવે.

~ કિશોર બારોટ

આ કવિની કવિતાના વિષયો આકર્ષિત કરે છે. જીવનની અનોખી પળોને તેઓ કવિતામાં મઢી લાવે છે અને પૂરી કાવ્યાત્મકતાથી ! જુઓ આજનાં બંને કાવ્યો !

10 thoughts on “કિશોર બારોટ ~ લંબ ચોરસ બારીએથી”

  1. વાહ, કિશોર દા, મૃત્યુ ની માનસિક તૈયારી ની ગઝલ. ફોટો પણ સરસ પસંદ કરાયો છે. અભિનંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *