પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ના જોવાય એવો & તારણ એ * Purvi Brhamabhatt

🥀🥀

*દુપટ્ટો*

ના જોવાય એવો મેં જોયો દુપટ્ટો
હતો રક્તરંજીત એ નાનો દુપટ્ટો

હતો આમ તો એ ખભા પર હંમેશાં
ડૂચો થઈને મોંમાં ફસાયો દુપટ્ટો

કદી ઘરમાંથી ને કદી ઝાડીમાંથી
ખબર નહિ ક્યાં ક્યાંથી મળેલો દુપટ્ટો

પિંખાયો હશે જ્યારે દસ બાર હાથે
હશે કેવો હિબકે ભરાયો દુપટ્ટો

પડેલા જખમ કેવી રીતે ભરાશે?
તીણી ચીસ પાડી, છે થાક્યો દુપટ્ટો

દબાયા છે રંગીન સપનાંઓ, નીચે
દુપટ્ટાની ઉપર છે ધોળો દુપટ્ટો

અરજ એટલી છે ઓ રાજાજી તમને
સલામત સદા સૌનો રાખો દુપટ્ટો

કહ્યું આટલું, બીજું કંઈ ના કરાયું
અરેરે! અરેરે! બિચારો દુપટ્ટો

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

દુપટ્ટાને પ્રતીક બનાવીને એક બાળકીની અસહ્ય પીડાને કવિએ આલેખી છે. તો અંતમાં કરુણતા પણ એ જ છે કે આ બધું જાણવા છતાં લોકો લાચાર બની બેસી રહે છે, ક્યાંક આગ લાગે છે પણ એને ઠરતાં ઝાઝી વાર નથી લાગતી.

‘અરજ છે…..’ શેર ગઝલની પીડાને જરા ફિક્કી પાડી દે છે.

*થયા પછી*

તારણ એ સામે આવ્યું છે ચર્ચા થયા પછી,
સંબંધ જર્જરિત બને સાંધા થયા પછી.

પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો,
ઉદાસ રહેવા લાગ્યો છે ડાહ્યા થયા પછી.

એ માને છે કે કંઈક તો જાદુ કર્યો છે મેં,
ના કોઈનાય થઇ શક્યા મારાં થયા પછી.

એક પળ રહી શકાશે નહીં દૂર, ભ્રમ હતો,
જીવતા જ છીએ હું ને તું જુદા થયા પછી.

~ પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ

ગઝલના મત્લામાં સંબંધનું સત્ય રજૂ થયું છે. સંબંધમાં એકવાર તડ પડે પછી એ પહેલાં જેવો ક્યારેય બની શકતો નથી. તો બીજો શેર જીવનની ફિલસૂફી લઈને આવે છે. ડહાપણ, સમજણ માણસને ચેનથી જીવવા નથી દેતા. અને છેલ્લો શેર પણ એ જ સંબંધ અને જીવનનું સત્ય લઈને આવે છે. એકબીજા વગર રહી શકાશે નહીં એ કેવડો મોટો ભ્રમ હતો ! જુદાં થયા પછી આંખ ખૂલી જાય છે!   

7 Responses

  1. સરસ રચનાઓ આપનો કાવ્ય આસ્વાદ પણ ખુબ સરસ

  2. Kirtichandra Shah says:

    થયા પછી ગઝલ ગમી

  3. Varij Luhar says:

    વાહ.. દુપટ્ટો..જેવા ભાવસભર વિષયને સરસ રીતે ગઝલમાં વણી લીધો..’થયા પછી.’ ગઝલ પણ સરસ છે

  4. ખૂબ જ સરસ સામ્પ્રત સમસ્યા ની દુપટ્ટા ને પ્રતિક બનાવી અભિવ્યક્તિ કરાઈ છે.

  5. kishor Barot says:

    ગઝલ ક્ષેત્રે એક ઉજળી આશા અને અપેક્ષા એટલે પૂર્વીબેનની કલમ.
    ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. 🌹

  6. Saryu Parikh says:

    દર્દભરી ખૂબ સરસ રચના.
    મને પણ એમ જ લાગ્યું…‘અરજ છે…..’ શેર ગઝલની પીડાને જરા ફિક્કી પાડી દે છે.
    સરયૂ પરીખ.

  7. દુપટ્ટો અને થયા પછી …. બંને સરસ ને સંવેદનશીલ રચનાઓ 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: