*અલ્લાબેલી, અલ્લાબેલી*
અલ્લાબેલી, અલ્લાબેલી
જાવું જરૂર છે
બંદર છો દૂર છે
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા
તારા હૈયામાં જો સાચી સબૂર છે
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે
બંદર છો દૂર છે.
આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!
અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે
બંદર છો દૂર છે
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે
બંદર છો દૂર છે!
~ સુંદરજી બેટાઈ
‘જ્યોતિરેખા’ ખંડકાવ્ય
‘સદગત ચંદ્રશીલા’ – કરૂણ પ્રશસ્તિ કાવ્ય
