ડો. મુકેશ જોશી ~ એકાદ જણ

☘️☘️

એકાદ જણ એવુંય મળી જાય છે
ને શહેર બસ આખુંય ફળી જાય છે.

છે સાવ સન્નાટા સમું સૂનું નગર
બસ હાજરીથી સળવળી જાય છે.

છે કેટલા રસ્તા, ગલીઓ કેટલી
તોય પગલાં ત્યાં જ વળી જાય છે.

કોઈક મુજમાં ઓગળી રહ્યું હશે
એટલે તો શ્વાસમાં સુગંધ ભળી જાય છે.

પાછાં વળતાં પણ એ મળી જાય છે
જેમ ગઝલમાં શબ્દો ઢળી જાય છે.

~ ડો. મુકેશ જોશી  

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 182 @ 21 એપ્રિલ 2015 * લતા હિરાણી

કવિતાનું આકાશ ચમકે છે ગઝલના તારાઓથી. આ તારાઓ ક્યાંક ફળે છે, ક્યાંક શબ્દોની ભીતર પ્રવેશી અર્થોના અસ્તિત્વને કળે છે, ક્યાંક ઉઘાડ પામવા સળવળે છે. ગઝલના ક્ષેત્રમાં પગલાંઓની વણઝાર ચાલી આવે છે, એમાંથી કોઈ પોતાની કેડી કંડારી જાય છે, કોઈ પોતાની છાપ સદાસર્વદા કોતરાવી જાય છે. મહત્વ એનું નથી કે શબ્દોને સમય કેટલું સાચવે છે ! મહત્વ એનું છે કે શબ્દોમાં ક્ષણો કેટલી ફળી જાય છે ! ક્ષણભરનો પ્રકાશ પણ કોઇકનું ભીતર અજવાળી જાય પછી હૃદય તો બસ એ અજવાળાને જ સંઘરી બધા શ્વાસો એને સમર્પિત કરી જાય છે. 

કોઈ પોતાનું હોય અને કોઈને માટે પોતાનું હોવું શ્વાસ જેટલું અનિવાર્ય હોય એ ભાવના રોમરોમમાં દિવડા જગાવી દે છે. આવી કલ્પના પણ રોમાંચ જગાવે તો સાચોસાચ આવી વ્યક્તિ મળી જાય, જીવનમાં ખરેખર આવું બની જાય ત્યારે ખુશીનું કહેવું શું ? આ આકાશ, ધરતી ને સારું વિશ્વ આનંદથી ઉભરાઈ જાય, શહેર આખું ફળી જાય. હજુ આગલી ક્ષણ સુધી ભલેને સન્નાટો પથરાયો હોય, એક વ્યક્તિના આગમનથી હવાનો એક એક કણ થનગની ઊઠે ! ક્યાં જવું છે ? કયા રસ્તે, કઈ ગલીમાં, કયા શહેરમાં, આજ સુધી કશી ખબર નહોતી. અચાનક આ સ્નેહનું સત્ય સ્પર્શ્યુ, પ્રેમનો પ્રકાશ પથરાયો અને એ એક જ ગલી, એક જ રસ્તો જીવનનો મુકામ બની ગયા.

શ્વાસ સુગંધથી તરબતર થઈ જાય છે, મન મઘમઘી ઊઠે છે; જ્યારે કોઈ હૈયામાં પ્રવેશી જાય છે, કોઈ પોતાનું અસ્તિત્વ રોમેરોમમાં પાથરી દે છે ! એ ઓગળી જાય છે ને ઓગાળી દે છે ! પછી તો આવતાં ને જતાં, સૂતાં ને જાગતાં, ઉઠતાં ને બેસતાં, એ જ રટણા, એ જ રમણા…. જામે છે; ગીતોની રંગત, ગઝલોની મહેફિલ, શબ્દોના ઝરણાં ને એના કાંઠે લહેરાતા લીલાછમ અર્થોના તરણાં. આંખ અને મન-હૃદય રસબસ….         

આ કવિની ખુદ્દારી અને મિજાજને વ્યક્ત કરતાં એમનો આ શેર જુઓ. એ કહી શકે છે કે,

સ્વપ્નને પણ ઈચ્છાથી વાવી શકું છું,
મહેફિલને હું રંગમાં લાવી શકું છું….

5 thoughts on “ડો. મુકેશ જોશી ~ એકાદ જણ”

  1. જ્યોતિ હિરાણી

    એકાદ જણ એવું યે મળી જાય છે, સુંદર ગઝલ અને આસ્વાદ.

  2. કવિતા નું આકાશ ચમકે છે ગઝલના તારા ઓથી, કેટલું સુંદર. સરસ રચના અને આસ્વાદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *