
🥀🥀
આ નગરમાં હજી ઝાડ દેખાય છે, પક્ષીઓ ગાય છે, ત્યાં સુધી ઠીક છે.
ડાળ લંબાય છે, ચાંચ ખોલાય છે, કલરવો થાય છે, ત્યાં સુધી ઠીક છે.
બારમાસી નદી આ નગરને હતી, એમ નકશા ક્હે, વાત વંચાય છે,
નગ્ન બચ્ચા હજી ખાડમાં ન્હાય છે, પૂલ બંધાય છે, ત્યાં સુધી ઠીક છે.
રોજ અખબારમાં, ટેલીવિઝન ઉપર લૂંટ હત્યા અને રેપ ચર્ચાય છે,
આ નગરમાં હજી સાવ અણજાણના દર્દ પૂછાય છે, ત્યાં લગી ઠીક છે.
આ નગરમાં ભલે પથ્થરી બાવલાં ચોરે ચૌટે બધે ખૂબ ખોડાય છે,
કોઈનાં દુઃખથી કોઈની આંખમાં અશ્રુ ઉભરાય છે, ત્યાં સુધી ઠીક છે.
આ નગરનાં શિશુ રોજ બંદી બને, દફ્તરી બોજથી રોજ ચગદાય છે,
એમની આંખમાં પ્રશ્ન, વિસ્મય અને પ્રેમ વર્તાય છે, ત્યાં સુધી ઠીક છે.
વૃદ્ધ વૃદ્ધાશ્રમે, બાળકો દૂન સ્કૂલે, કોંક્રેટી જંગલે મૌન પથરાય છે,
ફૂટપાથે પણે તાપણી ઝળહળે, વાંસળી વાય છે, ત્યાં સુધી ઠીક છે.
પૂતળાંઓ ધસે બસ અને ટ્રેનમાં, રોજ ઉઠાય છે, રોજ પોઢાય છે,
એક દિ’ સ્વપ્નમાં ઘર-વતનને સ્મરી સ્હેજ મલકાય છે, ત્યાં સુધી ઠીક છે.
કેટલાં વોઁકળાં ખેતરો, કોતરો ને તળાવો ગળી શ્હેર લંબાય છે,
તે છતાંયે હજી આભનો એટલો ભાગ દેખાય છે, ત્યાં સુધી ઠીક છે.
~ વિજય રાજ્યગુરુ
છેલ્લાં પચાસેક વર્ષોથી માનવસમાજમાં આધુનિકતાના નામે જે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે તેની ગતિ વિકાસાભિમુખ છે કે વિનાશાભિમુખ તે ખરેખર એક ચિંતનીય બાબત છે. જનસમાજની શહેરીકરણ તરફની દોટથી ગ્રામ્ય પરિવેશનાં ધબકતાં તત્ત્વો જેવાકે સ્નેહ, લાગણી, સંબંધો, રખાવટ, આદર, કદર, કાળજી, શરમ, આબરૂ આ બધું જ અત્યારે ધીમે ધીમે લુપ્ત થતું રહ્યું છે. સગવડોમાં સુખ શોધતાં માણસમાંથી ધીમેધીમે માનવ્ય ખલાસ થતું જાય છે. જ્યાં સ્મિત પણ ઉપયોગીતાની ફૂટપટ્ટીથી માપીને કરાતું હોય ત્યાં સ્નેહ, સદ્દભાવ, પરગજુપણાની અપેક્ષા ક્યાંથી રાખી શકાય?
માનવ સમાજનું આ નૈતિક અધઃપતન જોઈ કવિનો આત્મા કકળી ઊઠે છે પરંતુ કવિ હંમેશા આશાવાદી હોવાનો. એટલે જ ગઝલના પ્રત્યેક શેરમાં લુપ્ત થતાં માનવીય મૂલ્યોના શેષ અવશેષો તરફ અંગુલીનિર્દેશ કરતાં કહે છે કે ‘જ્યાં સુધી આ છે, ત્યાં સુધી ઠીક છે.‘
‘ત્યાં સુધી ઠીક છે‘માં એક ખોખલું આશ્વાસન છે, એક આછી પાતળી આશા પણ છે અને સાથોસાથ એક ચીમકી પણ છે કે ‘હવે અટકો, નહીંતર……!‘
આશ્વાસન મેળવવા માટે કવિની નજર જ્યાં જ્યાં ગઈ છે; ઝાડ, પક્ષી, નદી, બાળકો, વૃદ્ધો કે આભ…. એ પણ એક રાહતની બાબત છે ને !
~ કિશોર બારોટ

કેટલાંક કાવ્ય એવાં હોય છે જેમાં આલેખયેલી કવિની અનુભૂતિની સચ્ચાઈ હ્નદયને સ્પર્શી જાય છે.વિજયભાઈનું આ કાવ્ય તે પૈકીનું એક છે.
સલામ તેમની કલમને. 🙏
આપની કાવ્ય પ્રીતિને સલામ
હાર્દ બરાબર પકડ્યું. ટૂંકમાં ઘણું કહી દીધું આભાર પ્રતિભાવો પણ બધા સરસ છે.
વિજય રાજ્યગુરુ આપણા વરિષ્ઠ સર્જક છે.
ગાલગાના આવર્તનવાળી આ ગઝલમાં દરેક શેર અગાઉના અને અત્યારના જીવનનો વિરોધાભાસ ભાવક સમક્ષ મૂકે છે.
એક સમયે અહીં નદી વહેતી હતી જે હવે ફક્ત નકશામાં છે અને હવે નાના ખાડામાં બચ્ચાં છબછબિયાં કરે છે આ દ્રશ્ય કે શહેર ગામને ગળી જાય એ દ્રશ્ય નજર સમક્ષ ખડું થાય ત્યારે ભાવકને અંદરથી આર્દ્ર કરે છે.
પ્રકૃતિ સાથે જોડાયેલા રહીશું તો જ આવનારી પેઢી માટે વસવા લાયક ધરતી આપણી આસપાસ હશે એ પણ આ કાવ્યનો સૂર છે.
કવિને અભિનંદન.
ખૂબ જ સરસ, કિશોર દા આપે સરસ આસ્વાદ કરાવ્યો.
આ જ અંક માં વિજય રાજ્યગુરૂ ની ” ત્યાં સુધી ઠીક છે ”
ગઝલ અને આસ્વાદન ઠીક નહિ પણ સરસ છે.
આ નગરમાં ભલે પથ્થરી બાવલાં ચોરે ચૌટે બધે ખૂબ ખોડાય છે,
કોઈનાં દુઃખથી કોઈની આંખમાં અશ્રુ ઉભરાય છે, ત્યાં સુધી ઠીક છે.
saras.
Thanka