☘️☘️
ઘડપણ એની સોળે કળાએ મને બેઠું
કે થાય મને : કેમ કરી હવે એને વેઠું ?
ચાકડે ચડેલ હું તો પિંડો છું માટીનો
માટલું ઘડો કે ઘડો કૂંડું
પ્રજાપતિ, કોડિયું કે ઘાટ ઘડો તાવડીનો
કે પછી નાખી દો હેઠું…..
ચંદર થઈને પ્રભુ ! પોષો છો ઔષધ
તોય કેડે કેમ કષ્ટ આ પેઠું ?……….
આંખોમાં ઝાંખ જાણે તૂટી ગઈ પાંખ !
પડી ચામડીમાં કરચલીની ભાત્યું
વેણુગોપાલ ! કાન એમનેમ રાખજો
મારું વેણુ સુણવામાં મન પેઠું.
~ રક્ષાબહેન પ્ર. દવે
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 169 @ 13 જાન્યુઆરી 2015 * લતા હિરાણી
એક જૂનું કાવ્ય, ‘આ ઘડપણ કોણે મોકલ્યું રે ! રક્ષાબહેનનું આ કાવ્ય વાંચતાં એનું સ્મરણ થઈ આવ્યું.
જીવનનું અફર ચક્ર બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા… એમાં ‘નથી રમવું’ કહ્યા વગર કોઈ વચ્ચેથી ખસી જાય એ જુદી વાત છે બાકી આમ ચાલવાનું. બાળપણમાં તો સ્વીકાર કરવા જેવું કંઈ હોતું જ નથી. યુવાની ફાટફાટ કરતી આવે છે ને ઘટમાં ઘોડા થનગનાવે છે.. એ શરૂ થાય કે એની તો પ્રતીક્ષા હોય છે અને પછી એ જાણે કદી જવાની નથી એવું માનવીનું વર્તન હોય છે. પરંતુ ઘડપણ આવશે એની ખબર હોવા છતાં એનો સ્વીકાર બહુ અઘરો હોય છે. કવયિત્રી કહે છે, હવે આ શરીરનો આકાર મારા હાથમાં નથી. સાચવ્યું સચવાય એમ નથી. તું ધારીશ તો સીધું રહેશે, તું ધારીશ તો નમી પડશે. તું ઘટનો ઘડનાર છો.. જેમ ઘડીશ એમ ઘડાઈશ..
ધારું તો પહાડ ઠેકી જઉ ને કહો તો દરિયો ઓળંગી જઉ એવી મનોઅવસ્થામાંથી પગ ચાલવાની આનાકાની કરે કે લાકડીનો ટેકો માગે એ કેમ કરીને સહેવું ? જે સ્કીનને સુંવાળી રાખવા, ચમકાવવા કંઇ કેટલાય ક્રીમ ને ઔષધ ઘસી માર્યા હોય એમાં આમ કરચલીઓ પાડવા માંડે ને લબડવા માંડે એ કેમ કરી વેઠાય ? વાળને જતન કરીને જાળવ્યા હોય, હાથમાં કાંસકો લઈને કલાકો એને સંવારવામાં કાઢ્યા હોય એ ખરતા ખરતા ટાલ સુધી પહોંચે એ કેમ ખમાય ? અઘરું છે, બહુ અઘરું છે. અરીસો જે ક્યારેક કેવો મીઠો લાગતો એ હવે અળખામણો બની જાય છે. મોંમાથી શબ્દો ભલે નીકળે કે ‘એ તો ભાઈ હવે એમ જ હોય ને ! ઉંમર થાય એટલે એવું જ વળી..’ પણ એ શબ્દો જ હોય છે, હ્રદયને સ્વીકારવું ઘણું મુશ્કેલ હોય છે..
અહીંયા કવયિત્રીએ બહુ સરસ કહ્યું છે, ‘ઘડપણ એની સોળે કળાએ મને બેઠું.’ ‘સોળે કળાએ’ શબ્દ યૌવન સાથે જ જોડાયેલો હોય અહીં ઘડપણ માટેનો એનો ઉપયોગ નાવીન્ય અને રોચકતા લઈને આવે છે. ઘડીભર જાણે એ ઘડપણને તાજગી બક્ષી દે છે. કવિની વેણુગોપાલને એ જ પ્રાર્થના છે કે ભલે કેડે કષ્ટ પેઠું, આંખોમાં ભળી ઝાંખ ને ચામડીમાં થઈ કરચલીઓની ભાત પણ પ્રભુ મારા કાન જરૂર સાબદા રાખજે. મારે તારી વેણુનો નાદ સાંભળવો છે.

રક્ષાબેન દવે ની કવિતા વધારે સરસ કે લતાબેન નો આસ્વાદ? બન્ને કુશળ કવયિત્રી ઓએ કવિતામાં અને આસ્વાદ મા એવું બારીકાઈથી પણ લાઘવમા વાસ્તવિક પરિસ્થિતિ વિષે લખ્યું છે. કે બન્ને ને પ્રણામ કરવાનું મન થ ઈ જાય. આભાર
સુંદર કાવ્ય, અતિ સુંદર આસ્વાદ. 👌
👌👌👌રસપ્રદ કલ્પનો. સુંદર રચનાા
રક્ષાબેને કવિતા માટે ભલે ભજનનો વિષય પસંદ કરેલ છે પણ તેમના ગીતની રજૂઆત આધુનિક રીતે થઈ છે. ભાષા,લય તથા ઉત્કટ નિરાશા કાવ્યને જુદું જ પરિમાણ આપે છે. રક્ષાબેન તથા લતાબેન-બંનેને અભિનંદન.
આભાર હરીશભાઈ, કિશોર બારોટ, જ્યોતિબેન અને મિત્રો
ખૂબ જ સરસ અભિવ્યક્તિ