🍀🍀
હા, આ મકાન,
જેને હું કારાવાસ કહેતી
કદીક લાગી હતી મને આ ભીંતો પિંજર જેવી
પણ ત્યારે મને ક્યાં પરિચય હતો આ ભીંતોનો !
હું તો બસ,
આ ભીંતોને નજરઅંદાજ કરી જોયા કરતી,
બારી બહારનો પીપળો-આકાશ-પંખી-વરસાદ….
પણ એક દિવસ
એક દિવસ હું ભારે પગે ગઈ હતી બહાર
અને આવી ત્યારે છાતી પર પથ્થર બાંધી,
ભારે હૈયે, સાવ ખાલીખમ્મ થઈને
સૂની આંખો, ખાલી હાથ,
અહીં આ ઓરડાની વચ્ચોવચ મૂકેલું
હવાથી ઝૂલતું પારણું
અચાનક સ્થિર થઈ
તાકી રહ્યું મારા ખાલી હાથોને
પારણાનું આમ મને તાકી રહેવું…
હું ફસડાઇ પડી હતી
પાયા વિનાની દીવાલો જેમ
ત્યાં જ આ ભીંતો મને ઘેરી વળી
મારી પીઠ પસવારતી રહી
મારી સાથોસાથ અશ્રુ વહાવતી રહી
મારાં આંસુઓની ભીનાશ
હજી તગતગતી રહી છે આ ભીંતોમાં
અને આ મકાન બની ગયું છે
ઘર – મારું ઘર………….
~ દક્ષા સંઘવી
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 153 @ 9 સપ્ટેમ્બર 2014 * લતા હિરાણી
એક સ્ત્રીની જિંદગી સાથે ઘરનું સાથે કેટલું અતૂટ જોડાણ હોય એ કહેવાની વાત જ નથી….
દામ્પત્યજીવનની ઘટમાળ બહુ અઘરી હોય છે. સ્ત્રી પોતાના કુટુંબની દેખભાળ, રોજબરોજનાં કામો અને પાર વગરની વ્યસ્તતામાં એવી વિંટળાયેલી રહે છે કે ખુલ્લી હવામાં નિરાંતનો શ્વાસ લેવાનુંય એના માટે લક્ઝરી બની જાય છે. એવું નથી કે બંધનો એને રોકી રાખે છે. ક્યારેક બહારના, કુટુંબના અને ક્યારેક પોતે જ પોતાની જવાબદારી સમજી એ બંધનો છોડી શક્તી નથી. એના માટે ઇસ પાર કે ઉસ પાર સરખી જ સ્થિતિ બનતી જતી હોય છે ત્યારે ઘરની દિવાલો એને કારાગાર ભાસે એવું બની શકે.
નાયિકા કહે છે, હા, આ મકાન મને જેલ જેવું કદીક લાગતું. આ ભીંતો મને રોકીને ઊભી હોય એવું લાગતું. પણ આ દિવાલોનો મને સાચો પરિચય નહોતો. હું એને ઓળખતી એક સ્થૂળ અર્થમાં. ઘર એટલે બહારની દુનિયાથી રક્ષતું મકાન. આ દિવાલો મને નડતી. અલબત એ જરુરી હતી એટલો જ એનો પરિચય. બાકી હું એને સાવ અવગણીને બારીની બહારનાં વૃક્ષો, આકાશ, પક્ષીઓ, વરસાદ, વાદળ આ બધું જોયા કરતી. આ બધામાં ખોવાયેલી રહેતી. ઘરમાં રહેવા છતાં મારા આનંદની દુનિયા આ દિવાલોની બહાર હતી. આ એક સત્ય હતું.
એક દિવસ જુદી ઘટના બની. જીવનનો જુદો તબક્કો, ઉલ્લાસનો અને રોમાંચનો તબક્કો શરુ થવામાં હતો. મારા બાળકને જન્મ આપવા હું ઘરની બહાર ગઈ અને ભાવિએ કંઇક જુદું જ દેખાડ્યું. રંગીન મધુરા શમણાંઓ નંદવાઇ ગયા. જે હાથોમાં એક નવજાત શ્વાસ સંભાળીને મારે લાવવાના હતા એના બદલે મારે ખાલી હાથે ને ભારે પગલે, હૈયા પર પથ્થર બાંધીને પાછાં ફરવું પડ્યું. કેટલી પીડા અને કેટલી વેદના ડુસકાંઓ બનીને મારા પાલવમાં પથરાઇ ગયા હતા! મારી પાસે એનો કોઇ ઉપાય નહોતો. લોકોના આશ્વાસનો અને સાંત્વનાઓ મનને કોઈ રાહત આપતાં નહોતા. દિવસ ઊગે અને ઘરની વચ્ચે ગોઠવેલું સૂનું પારણું મને સ્થિર થઈને જોયા રાખતું.
આ સહન કરવું કેટલું દુષ્કર છે ! હું હામ હારી ચૂકી અને હિંમત ખોઇ બેઠી ત્યારે આ જ ભીંતોએ મને સહારો આપ્યો. આ ભીંતો મને ઘેરી વળી અને મારી પીઠ પસવારતી રહી. જાણે આ નિર્જીવ ભીંતોમાં પ્રાણ આવ્યા અને એ મારા દુખની ભાગીદાર બની ગઈ. મારી સાથે એય રડી અને મારા આંસુ એણે જ લૂછ્યા. હજુ એ મારી સાથે જ છે. મારી આંખ છલકે છે ત્યારે એનાં ચહેરા પર પણ ભીનાશ તગતગે છે. હવે આ ઘર પથ્થર ઇંટોનું નથી, સિમેંટ-ચૂનાનું નથી. હવે એ મારું હમસફર છે. મારું દોસ્ત છે. મારા સુખદુખનું સાથી છે.. મારું ઘર ખરા અર્થમાં મારું છે..કેટલી સ્પર્શી જતી, હૈયામાં છેક ઊંડે ઊતરી જતી આ રચના છે. ભીંત સાથે પોતાપણું અનુભવનાર એક સ્ત્રી જ હોય. એક સ્ત્રી જ અનુભવી શકે, વ્યક્ત કરી શકે એવું આ કાવ્ય. ભાવકનાં મનના ખૂણાને પણ ભીનાશથી ભરી દેતું આ કાવ્ય..

ખૂબ જ વેદના ભરી રચના. એક સ્ત્રી જ અનુભવી શકે.