નયના રંગવાલા ~ તું પૂછતી હતી

☘️☘️

તું પૂછતી હતી,

આ માથાના ઢીમચા વિશે,
એ તો સવારે ઊઠવાની ઉતાવળમાં,
ક્યારેક માથું ભીંત સાથે અથડાઈ જાય !

અને આ હાથ પર દાઝ્યાનું નિશાન ?
એ તો રોટલી શેકતાં શેકતાં,
ક્યારેક હાથ પણ શેકાઈ જાય !

હવે, આ છાતી પરનાં લાલ ચકામાં ?
એ તો રાતના ગાઢ અંધકારમાં,
ક્યારેક પ્રેમ ઊભરાય,

તો બીજું શું થાય ?

લે, હવે તારે આ કપાયેલી આંગળીઓ,
છોલાયેલા ઘૂંટણો, તરડાયેલી ચામડી
અને રેલાયેલી પાંપણોની કથા સાંભળવી છે ?

તો સાંભળ, આ બધું તો ચાલ્યા કરે !
એનો તો વળી રંજ હોય ?
શહાદતની ગણતરી તો યુદ્ધમાં હોય,
આ તો ઘર છે યાર !

~ નયના રંગવાલા

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 161 @ 4 નવેમ્બર 2014 * લતા હિરાણી

સારા કવિની સરખામણીમાં સારી કવયિત્રીઓની સંખ્યા ઓછી છે એ વાત સાચી પણ એના કારણો પ્રતિભાનો અભાવ નહીં, સ્ત્રી પર ખડકાયેલો જવાબદારીઓનો બોજો છે. અહીં નયના રંગવાલા સ્ત્રીની જુદી મુસીબતની વાત લઈને આવ્યાં છે. સમાજનું આ પણ એક વરવું સત્ય છે. માર ખાતી સ્ત્રીઓની સંખ્યા આજે પણ મોટી છે.

આજે પણ સાંભળવા મળે છે, ‘બેટા, જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવજે પણ પાછી નહીં આવતી.’ શું છે એનો અર્થ? પતિના ત્રાસથી પાછી ફરેલી સ્ત્રી સારી નોકરી કરતી હોય, આત્મનિર્ભર હોય તોયે એના પ્રત્યે આખા કુટુંબનો, અરે મા-બાપ સુદ્ધાંનો બદલાઇ જતો રવૈયો ઘણાં લોકોએ પોતાની આંખે નિહાળ્યો હશે… એમાં એના હૃદયમાં ઊઠતા કોમળ સંવેદનોને પ્રગટવાની ક્યાં જગ્યા રહે ? ભીંત સાથે અફળાયેલા માથાના ઢીમચાં પંપાળતી, ઊઠેલા ચકામાને સંતાડતી, છોલાયેલા ઢીંચણને ઢાંકતી સ્ત્રી, આને સંસારની આ એક અનિવાર્ય શહાદત અને જીવી જવાની શરત સમજી લે આનાથી વધુ સ્ત્રીની પીડા વિશે કંઇ લખવાની જરૂર છે ખરી ? સ્ત્રી પાસેથી સાહિત્યસર્જનની પણ કેટલીક આશા રાખી શકાય ? લો, તમે જ વાંચી લો કવયિત્રી નયના જાનીની આ કવિતા..

કવિતા ધસમસતી, રોમ રોમ રણઝણતી
આવી આવી બોલાવે, સાવ અચાનક
આનંદ… આનંદ….

કવિતા, કવિતા, જતી ન રહીશ
જરા લખી લઉં, જતી ના રહીશ
આ પાંચ રોટલી કરી લઉં !
”હા, તે કરી લે ને !”

કવિતા કવિતા થોડું ખમજે હોં
આ મારો દીકરો કંઈ લીધા વગર
જતો રહેશે ભૂખ્યો, તે એને કંઇક આપી દઉં !
”હો રે..”

એ કવિતા વહાલી, આ કુરિયરમાં સહી કરવી પડશે
“કર કર, કરી લે..”

ને હવે આંખ મીંચીને તને મળું, ચાલ….
પણ આ ફોન લેવો પડશે ને,

આ ને તે ને કવિતા, ઓલું ને પેલું ને કવિતા
કવિતા, કવિતા, જો ને હું શું કરું ?
તું જતી ન રહીશ. રાત પડે ને કવિતા
બહુ થાક લાગે, તું જતી ન રહીશ….

”ના, ના, હોય કંઈ !
ના જઉં હું તો, હું તો તારી કવિતા !”

નીંદર ઘેરાય, થાકેલું શરીર ઊંઘે
ને આવે મારી કવિતા  આંસુભરી
તે હું એનાં આંસુ લૂછું ને એ મારાં

ને પછી આનંદ લોકે, તેજ આલોકે
મારી સાથે રમે મારી અણલખી કવિતા …. નયના જાની   

8 thoughts on “નયના રંગવાલા ~ તું પૂછતી હતી”

  1. હેતલ રાવ

    ઘણી ઘાયલ સ્ત્રીઓનો અવાજ બની શકે તેવી હ્રદય ચીરતી આ બંને રચનાઓ લખનાર કવયિત્રીને નમન.👌👌👌🙏

    1. વાહ, અત્યંત વેદના થી ભરેલી સ્ત્રી ની વ્યથા કથા કવયિત્રી એ શબ્દો મા ઠાલવી ને ગજબ કર્યો છે.. તો લતાબેન જેવા મરમી એ એનો શબ્દે શબ્દ ઝીલી ને અદભૂત આસ્વાદ કરાવ્યો છે. અને સાથે સાથે નયનાબેન જાની ની વેદના થી ભરેલી પણ સ્ત્રી ની વેદના ને વાચા આપતી નખશિખ ઘાયલ સ્ત્રી ને આબેહૂબ રજૂ કરી ને લતાબેને કાવ્ય વિશ્વ ના ભાવકોને પીડા વહેંચી છે

  2. કિશોર બારોટ

    નારીના મનોવિશ્વમાં ઉદભવતી વેદનાઓને સબળ અભિવ્યક્તિ.
    બંને નયનાબેનને અભિનંદન. 🌹

  3. હરીશ દાસાણી.મુંબઈ

    બંને નયનાબેનની કવિતાઓ ધારદાર છે,સમાજને સીધો ઘા કરનાર છે-પણ એનેસ્થેટિક બેહોશીમાંથી સમાજ જો જાગૃત થાય તો ! તે માટે કવિતા ઉપરાંત બહેનો પાસે સંઘબળ હોય તે આવશ્યક.

  4. આભાર હરીશભાઈ, જ્યોતિબેન, હેતલબેન અને સર્વે મિત્રો.

  5. સ્ત્રી રાત દિવસ કેવા કેવા કાર્યોમાં વ્યસ્ત હોય છે, અને કવિતા કે સાહિત્ય રચવા માટે કેટલી મુસીબતો વેઠે છે. વાહ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *