*આપણી વચ્ચે નથી*
શબ્દની નાજુક સવારી આપણી વચ્ચે નથી,
મ્હેકતી એ પુષ્પક્યારી આપણી વચ્ચે નથી.
આજ એકાએક સૌ નખશિખ ઉજ્જડ થઈ ગયા,
મૂડી મારી ને તમારી આપણી વચ્ચે નથી !
કોણ ભીતરને હવે અજવાળશે આજે અહીં,
રોજ ઊઘડતી એ બારી આપણી વચ્ચે નથી.
મોજ મસ્તીમાં જ મ્હાલે ને નિરાળી ચાલ ચાલે,
આગવી સાધુ-ખુમારી આપણી વચ્ચે નથી.
અહર્નિશ ધૂણી ધખાવીને અહીં જે બેસતો,
ગઝલનો ગરવો પૂજારી આપણી વચ્ચે નથી.
~ નીતિન વડગામા (શ્યામ સાધુ માટે)

🙏🙏🙏 સુંદર ભાવ , સુંદર રચના
ખૂબ જ સરસ શ્રધાંજલિ ગઝલ. વંદન.