🥀🥀
ગઈકાલની દુર્ઘટના સંદર્ભે કવયિત્રી વિસ્લાવા શિમ્બોર્સ્કાની એક કવિતા
*શક્ય હતું*
એ બની શક્યું હોત
બન્યું જ હોત
એ પહેલાં બની ગયું કે પછી
નજીક કે દૂર
એ બન્યું
ભલે તમારી સાથે નહીં
તમે બચી ગયા કારણ કે તમે પહેલાં હતા
તમે બચી ગયા કારણ કે તમે છેલ્લા હતા
એકલા
કોઈકની સાથે
જમણે હતા
કે ડાબે
એટલા માટે કે વરસાદ પડતો હતો
કે છાંયડાના કારણે
દિવસ પ્રકાશિત હતો એટલે
તમે નસીબદાર હતા –
જંગલ હતું એટલે
તમે નસીબદાર –
વૃક્ષો નહોતા એટલે
તમે નસીબદાર –
દાંતી, અંકોડો, સળિયો, બ્રેક, ઊંબરો, વળાંક
પા ઈંચ, એક પળ
તમે નસીબદાર – બરાબર ટાંકણે જ તણખલું ઊડ્યું
પરિણામે, કારણે, જો કે, તેમ છતાં
શું થયું હોત જો એક હાથ, પગ, એક ઈંચની અંદર,
અમંગળ ઘટનાથી વાળ જેટલું છેટું
– તો તમે અહીં છો એમ ને ?
વધુ એક હાથતાળી
વધુ એક જરાકમાં બચાવ ?
જાળીમાં એક કાણું અને તમે છટકી ગયા ?
આથી વધુ ગભરાયેલી, અવાક હું પણ શું હોત ?
સાંભળો
તમારું હૃદય મારી ભીતર કેવું ધબકે છે ..
~ વિસલાવા શિંમ્બોર્સકા
– મૂળ પોલીશ કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ : ભગવાન થાવરાણી
ગઈકાલની (12.6.2025) વિમાન દુર્ઘટના બદલ અત્યંત દુખી હૃદયે
ૐ શાંતિ શાંતિ શાંતિ
લતા હિરાણી
www.kavyavishva.com

ગઈ કાલની ધટનાના સૌ કમ નસીબ આતમાઓને પ્રભુ પરમ શાંતિ આપે એવી અમારી પારથના
ૐ શાંતિ, શાંતિ, શાંતિ: પ્રભુ તારી લીલા અકળ છે, અમે પામર માનવી શું કરી શકીએ?
ગઈકાલની ઘટના પછી સદગતના સ્વજનોને વિયોગનું કષ્ટ ઓછું થાય તેવી પ્રાર્થના. આપણા સૌ તરફથી સકારાત્મક શક્તિ મળે.
સરયૂ