નિકેતા વ્યાસ ~ એક મુઠ્ઠીમાં

🥀🥀

એક મુઠ્ઠીમાં હું આખ્ખું આકાશ ભરી આવી,
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી.

એક રેતીનું નગર હતું ને પગલાં ભીનાં,
ફરતે મારી છે દરિયો ને હું તરસ વિના.
હું ખોબામાં ક્ષિતિજને લે ભરી આવી.
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી…..

એક હતો રુમાલ અને એક હતી વીંટી,
ટાંગી દીધેલી મેં યાદો ત્યાં જ હતી ખીંટી,
હળવો તેં આપ્યો સાદ ને હું સરી આવી !
તારી આંખોમાં લે સાત દરિયા તરી આવી…

હથેળીમાં ઊગ્યા તો થયું કે તકદીર છે.
મુઠીમાં ભર્યુ તો લાગ્યું કે નર્યુ નીર છે..
સાત પગલાંમાં સપ્તપદી ફરી આવી !
તારી આંખોમા લે સાત દરિયા તરી આવી…

~ નિકેતા વ્યાસ

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 173 @ 17 ફેબ્રુઆરી 2015 @ લતા હિરાણી

માનવી પ્રેમમાં પડે ત્યારે બધું જ શક્ય છે. આંખોમાં દરિયા, નદીઓ, ઝરણાં વહ્યાં જ કરે ને મન એમાં તર્યા જ કરે. મુઠ્ઠીમાં આખું આકાશ સમાય ને એ આકાશમાં મુઠ્ઠી જેવડાં હૈયાંનો અફાટ વિસ્તાર પમાય. પડછાયાના વેશમાં પ્રેમ નામનો પદારથ પાછળ પાછળ પગલે પગલું દબાવીને ભમ્યા રાખે, સાથ ન છોડે. સમયની ક્ષિતિજ પર સ્નેહના મેઘધનુષ બારે માસ ને બધા જ દિવસોએ રચાયા રાખે. એને મોસમની મોહતાજી ન હોય.

રેતીનાં નગરમાં પ્રેમની પોઠો લઈ જિંદગી ચાલ્યા જ રાખે. આસપાસ ભલેને રણ હોય, એનાં હૈયાંની ભીનાશથી પગલાં ભીંજાયા રાખે. દરિયાની તરસ ઊછળતાં મોજાંની જેમ મનમાં ઘૂઘવે ને રોમેરોમ પ્યાસની અહાલેક જગાવે એવું બને અને એવું ય બને કે દિલ ભર્યું ભર્યું બાગ બાગ બની જાય, જ્યાં તરસ જેવી ચીજને કોઈ અવકાશ જ ન હોય ! જી હા, આ પ્રેમ છે.        

ક્ષિતિજે પથરાયેલા શમણાં સમેટીને મન એને ખોબામાં ભરી લે, હથેળીના મુલાયમ સ્પર્શે એ શમણાંઓને પાંખ આવી જાય, કલરવ કરતાં આકાશે ઉડવા લાગે એમ પણ બને. સાતે સાત દરિયા નાનકડી આંખની આવડીક કીકીમાં ભરી લેવાય, એમાં તરી લેવાય ને એમાં જ ડૂબી પણ જવાય, આ પ્રેમનો ચમત્કાર છે. પ્રેમી અત્તરથી મઘમઘતો રૂમાલ લઈને આવે અને પ્રેમિકાનાં આંસુ લૂછવા સઘળી સુગંધે શહાદત વહોરવી પડે એવું બની શકે. વીંટીની બ્યુટી આંગળીની નજાકતને ઓર ખીલવે અને બંનેના હાથોના ભીડાવાને અતૂટ બનાવે..

સ્મરણોનો ખજાનો ખીંટીએ ટાંગી શકાય ? એનાથી અળગા રહી શકાય ? ના, ના ને ના. એ મીઠી હોય કે કડવી, યાદો આખરે યાદો છે. દિલમાં જડાયેલી છે. અસ્તિત્વનો હિસ્સો બને ગઈ છે અને ક્યાંય જવાની એની ધરાર ના છે. એનું જ પરિણામ છે કે જરા અમથો સાદ પ્રિયાને ખેંચી જાય છે. સ્મરણો હથેળીમાં તકદીરની લકીર બનીને અંકાયા છે, ખૂલ્યા છે, ખીલ્યા છે. દરિયા જ સાત નથી, સપ્તપદીના પગલાંય સાત છે. સાત સાત જનમના બંધન છે, એનું નામ પ્રેમ છે !

આ કૃતિની સંગાથે કવિ વિનોદ જોશીનું એક મીઠ્ઠું ગીત માણીએ.

આપી આપીને તમે પીંછુ આપો સજન ! પાંખો આપો તો અમે આવીએ…                                           

ચાંદો નીચોવી અમે વાટકો ભર્યો ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી અમે ઊંબરની કોર લાગી લાવ્યાં
આપી આપીને તમે ટેકો આપો સજન ! નાતો આપો તો અમે આવીએ………

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય અને લેખણમાં છોડી છે લૂ
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય અમે લખીએ તો લખીએ પણ શું
?
આપી આપીને તમે આંસુ આપો સજન ! આંખો આપો તો અમે આવીએ……

8 thoughts on “નિકેતા વ્યાસ ~ એક મુઠ્ઠીમાં”

  1. રેખા ભટ્ટ

    નિકેતા વ્યાસ, સરસ કવિતા. અભિનંદન.

  2. Kirtichandra Shah

    મારા પુરોગામીઓએ યોગ્ય જ ક્હ્યું છે રચના સરસ છે

  3. નિકેતા વ્યાસ એક નવું પણ નક્કર કવિ નામ! ! પ્રેમ નીતરતી આ કવિતા આશાઓના ઉલાળાં મારતી ચાર પગલાંમાં સપ્તપદી ફરી આવે છે.ભાવક રોમાંચિત બને છે અને સમગ્ર ભાવ વિશ્વ હ્રદયમાં છવાઈ જાય છે.આ નવકવિયત્રીને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *