રાજેન્દ્ર શાહ ~ કેવડિયાનો કાંટો

🥀🥀

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે
મૂઇ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે..

બાવળિયાની શૂળ હોય તો, ખણી કાઢીએ મૂળ
કેરથોરના કાંટા અમને, કાંકરિયાળી ધૂળ
આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે…….

તાવ હોય જો કડો ટાઢિયો, ક્વાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો, ભૂવો કરી મંતરિયે
રુંવેરુંવે પીડ જેની એ તો જડે નહીં કહીં ભાગ્યો રે
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે…..

~ રાજેન્દ્ર શાહ

દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 165 @ 16 ડિસેમ્બર 2014 @ લતા હિરાણી

વાત યુવાન હૈયાની છે, ગ્રામ્ય કન્યાની છે એટલે સ્વાભાવિક જ વાતાવરણ પણ એવું રચાય !! મૂઇ, દવ, વાંતરિયો વળગાડ, ભૂવો, મંતરવું જેવા ગ્રામ્ય શબ્દપ્રયોગો આ ભાવની સાથે એવા રસબસ થયેલાં છે કે શહેરી કન્યાનેય કેવડિયાનો કાંટો હ્રદયની આરપાર ચૂભી જાય. આ કાંટો પોતાને ચૂભે એવી ઝંખના પણ કોઈને થઇ જાય ! એ જ આ કાવ્યની સફળતા છે. કાવ્યકલા અહીં સોળે કળાએ ખીલી છે.

પ્રેમીનું સાહચર્ય ઝંખતી છોકરી સ્વાભાવિક એકાંત પણ ઝંખે જ, એ વનવગડા સિવાય ક્યાં મળવાનું ? કેવડાની મ્હેક કલેજામાં આગ લગાવે છે. કાંટાનો ખટકોય જાલિમ બની જાય છે કેમ કે એ રૂંવે રૂંવે પરોવાયેલી પ્રિયતમની યાદને અસહ્ય તડપમાં બદલી નાખે છે. કન્યાને નથી તાવ કે તરિયો, નથી વળગાડ કે ભૂવાને બોલાવી મંતરિયો ! આ રોગનો ઈલાજ શું કરવો ? ઈલાજ એક જ છે, મળી જાય તો સ્વર્ગ !! જીવનના ચોરખાનામાં છૂપાવી રાખવા જેવા વરસો અહીં શબ્દોમાં વેરાયા છે. વનગડાનું એકાંત રાતના સન્નાટામાં પણ એવું જ ઊઘડે છે. એવી જ પીડ જગાવે છે.

કેવડાની મ્હેક જેવી નશીલી ક્ષણો અહીં પૂરબહારમાં ખીલી છે. એવી છવાઇ છે કે અંગ અંગ એની સુગંધથી મહેકે છે. આ ક્ષણને પંપાળ્યા રાખવાનું મન થાય કે એ કદી ક્યાંય ન જાય. વાત ભલે કાંટાની કરી છે પણ એમાં કેવી નજાકત ભરી છે !  ધૂળ કાંકરિયાળી છે પણ એની ખૂંચ બહુ મર્માળી છે. કાંટાની વાત સમજાય પણ આવા રોમાંટિક ભાવમાં ધૂળ જેવી ધૂળને રેશમના તારની જેમ પરોવી દેવી અને એ બહુ ઝીણું કામ છે. અમથા એ કવિવર કહેવાયા હશે !

જોકે, આટલી વાત ઉમેરવી પડે છે. ઘણા સારા સારા કવિઓએ સ્ત્રી સંવેદના વ્યક્ત કરતાં કાવ્યો રચ્યા છે. મોટાભાગનાં કાવ્યો એક યુવાન સ્ત્રીનાં ઉછળતા યૌવનની ઝંખનાઓ વર્ણવતા હોય છે. પુરુષ સ્ત્રી પાસેથી આવું જ ઝંખે છે. પુરુષકવિની કલ્પનામાં સ્ત્રીનું આવું જ સ્વરૂપ છવાયેલું છે એમ માનવું પડે. ખરેખર જીવનનો આ કેટલો નાનો તબક્કો ! આ સિવાય કેટલા વિશાળ, કેટલા વિવિધ સ્વરૂપોમાં સ્ત્રીની સંવેદનાઓ કેટલા ઊંડાણોને સ્પર્શતી હોય છે પણ એ પુરુષકવિની નજરમાં ભાગ્યે જ આવ્યું છે ! સ્ત્રીને ડગલે ને પગલે થતાં અન્યાયો, સહેવી પડતી વેદનાઓ, ચારેકોરથી ગૂંગળાવી નાખતા મૂંઝારાઓ કે કૌટુંબિક અને સામાજીક જવાબદારીઓ વચ્ચે રહેંસાતી સ્ત્રીને પુરુષકવિઓ ભાગ્યે જ જોઈ શક્યા છે. અરે, પ્રણયની વાત કરીએ તો પણ શારિરીક ઊર્મિઓ સિવાયના એના હૈયાનાં સૂક્ષ્મ સંવેદનો ઓછાં ઝીલાયા છે, થોડા અપવાદો બાદ કરતાં !! (યજ્ઞેશ દવેનું કાવ્ય ‘અને તમારી રાહ જોઈ…’ યાદ આવી ગયું)

લો ત્યારે આવા જ એક મહારથીનું મદમસ્ત ગીત, કવિ રમેશ પારેખને મળીએ…   

હરિ, તેં મુજને બહુ હરસાવી
મિષ્ટ મદનરસ ઢળ્યો તું મુજને તરસાવી-તરસાવી

મારી રસના પર રસ ઊમટ્યા તું-દીધા તાંબૂલથી
મેંય તને કવરાવ્યો કેવો કરી પ્રહારો ફૂલથી !
તેં ચૂમીની હેલી પડતર હોઠો પર વરસાવી

વાઢ પડ્યા વાંસામાં મુજને તારાં આલિંગનથી
પીન પયોધર કચરાયાં ભીંસાઈ તારા તનથી
હસીહસી કર મારો મરડી તુંથી હું પરસાવી

2 thoughts on “રાજેન્દ્ર શાહ ~ કેવડિયાનો કાંટો”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *