સંજય પંડ્યા ~ વાદળ અસંખ્ય છિદ્રોમાંથી

🥀🥀

*જળનૃત્ય*

વાદળ
અસંખ્ય છિદ્રોમાંથી
ટપક્યાં કરે !
નેવું ટપકતું હોય એમ!

સહસ્ર ધારાઓમાં વિભાજિત ડૂમો
કોઈના ચહેરે સ્મિત ફેલાવે !

વાદળનો ખોંખારો
પજવ્યા કરે
મુગ્ધ ગભરુ આંખોને!

આકાશની ચમકતી તિરાડ
ઠેકાણું ગોતે

વાદળ દદડીને
વૃક્ષને ભીનું આલિંગે

થડ ઉપરથી મૂળ તરફ
દોડી રહેલો રેલો
છાલ પર ઘડીક
વિરામ લે …
થડથી અળગી થવા મથતી
છાલને તાકી રહે
વિસ્મયપૂર્વક

તાલબદ્ધ નગારાં
વાતાવરણમાં ખખડે

જલધાર ઉપરથી નીચે સુધી
સાંગોપાંગ આવે
ને નીચે પછડાય

તીવ્ર ગતિથી અસંખ્ય જલ બિંદુઓ
ચારે તરફ ફેલાય,
એક ઝુમ્મર રચે જળનું

~ સંજય પંડ્યા

સરસ મજાનું વરસાદી અછાંદસ. વરસતા વરસાદનું જીવંત ચિત્રણ. ટપકતા નેવાંની વાત સહજ રીતે કરીને કવિએ બીજાના ચહેરે સ્મિત ફેલાવનાર સહસ્ત્ર ધારાઓને કોઈના ડૂમા સાથે મૂકી દઈને જરા ઉદાસી વેરવાથી શરૂઆત કરી. પણ એ પછીના તમામ પ્રતિકો ફરી સહજતા સાથે સંબંધાય છે. ગરજતા વાદળ અને મુગ્ધ આંખો કે તૂટી પડતી વીજળી, વરસાદનું વૃક્ષને વળગવું અને બધું જ….  પાણીના રેલાની યાત્રા અને એકધારા વરસાદના તાલબદ્ધ નગારાં… સમગ્ર પ્રતિક યોજના વરસાદની જેમ જ સહજ રેલાતી જાય છે. કલ્પના ખરી પણ આયાસ નહીં.  

ટપકવું, ફેલાવું, ગોતવું, આલિંગવું, વિરમવું, તાકવું, ખખડવું, પછડાવું, ફેલાવું, રચવું…. તમામ ક્રિયાઓ વરસતા વાદળને સાદૃશ કરે છે….  

12 Responses

  1. ખુબ સરસ વરસાદી રચના ખુબ ગમી આસ્વાદ ખુબ સરસ

  2. ખૂબ સરસ વરસાદી અભિવ્યક્તિ.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    સુંદર રચના. સંક્ષિપ્ત નોંધ પણ કાવ્યાનંદ ભાવક માટે સૂચક છે,માર્ગદર્શક છે.

    • Sanjay Pandya says:

      આભાર હરીશભાઈ,
      લતાબહેનનું આ યજ્ઞકાર્ય સરાહનીય છે.વળી ટૂંકાણમાં તેઓ રચનાના સૌંદર્યસ્થાન ચીંધી બતાવે છે એની સુંદરતા વિશેષ.

  4. Minal Oza says:

    વરસાદી કવિતામાં વિવિધ માનવ મનોભાવોને સુપેરે વણી લીધા છે. અભિનંદન.

    • Sanjay Pandya says:

      મીનલબહેન,
      આપ સર્વને રચના ગમી એનો આનંદ.
      દરેક રચના ભાવકના હૃદયમાં એક પોતીકું વિશ્વ રચી આપે છે અને વિવિધ અર્થચ્છાયાઓ પણ ઉઘાડી આપે છે. અને હા…સજીવારોપણ અલંકાર પણ વરસાદને વિવિધ મનોભાવ સાથે જોડે છે.

      દરેક ભાવક,રચનાને પોતાની રીતે માણી શકે એ રચનાનું સાર્થક્ય.

  5. મુકુંદ સાંગાણી. says:

    ખૂબ સરસ વરસાદી રચના….જાણે પ્રત્યક્ષ વરસાદી અનુભવ

  6. Sanjay Pandya says:

    આભાર, મુકુંદભાઈ!

  7. Kavyavishva says:

    સંજયભાઈ, આનંદ આનંદ. આવી સરસ રચના આપવા બદલ.

    અને જેમણે જેમણે એ રચના વિશે આનંદ વ્યક્ત કર્યો, પ્રતિભાવના મજાનાં શબ્દો લખ્યા એ સૌ અને મુલાકાત લેનારા પણ સૌ મિત્રોની આભારી છું.

    • Sanjay Pandya says:

      લતાબહેન,
      તમે એવા ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યાં છો જેનો વ્યાપ સમગ્ર વિશ્વના ગુજરાતી ભાવકો સુધી છે અને જે દાયકાઓ જ નહિ એનાથી ય આગળ સચવાશે.
      તમને સાધુવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: