દિવાન ઠાકોર ~ એ ઊઠે છે ત્યારે

🥀🥀

એ ઊઠે છે ત્યારે
અધૂરી ઊંઘ ઉઠવા દેતી નથી
થાક હજુય ચોંટેલો છે પાંસળીઓમાં

એ ન્હાય છે ત્યારે
ઘસી ઘસીને ધુએ છે શમણાં

એ ચાલે છે ત્યારે દોડે છે
છતાં ક્યારેય પહોંચી શકી નથી સમયસર

તે રાંધે છે ભોજન સર્વને માટે
મીઠા ઓડકારો સાંભળીને ધરાય છે પેટ
ફૂલછાબ સમા શબ્દોની
મળી નથી કદી ભેટ

બધું સમયસર થવું જોઈએ
દરેક વસ્તુ હોવી જોઈએ તેની જગ્યાએ
માત્ર એ પોતે જ નથી તેની જગ્યાએ
ભીંસાઈને ચઢવી પડે છે શ્વાસોની સીડી

ઊંઘ જ્યારે પોપચાંને અડે છે
ત્યારે જ એલાર્મ વાગે છે
અને એની હાજરીથી ખુશ થતું ઘર
ખડખડ હસે છે…………………….

~ દિવાન ઠાકોર

દિવ્ય ભાસ્કર @ કાવ્ય સેતુ 188 @  2 જૂન 2015 > લતા હિરાણી   

શું લખવું આ કવિતા માટે ? તમે આ પરિસ્થિતી ચારે બાજુ જોતાં જ હશો. આ સચ્ચાઈ છે. ઉચ્ચ શિક્ષણ પામેલી, હાઇપોસ્ટ પર કામ કરતી અને નોકરી કરીને સારું કમાઈને ઘરમાં આપતી સ્ત્રીઓને ડરેલી, અકળાયેલી, વાતે વાતે પતિથી દબાતી જોવા મળે છે,  ડગલે ને પગલે પતિનો રૂઆબ સહન કરતી જોવા મળે છે, ખોટી રીતે નાના કામોમાંય એને ઉતારી પડાય ને અપમાનિત કરાય ત્યારે એ કેટલું ક્રૂર !

વોટ્સ એપ પર આવતા સ્ત્રીઓ અંગેના જોક્સ ભૂલી જજો, બને તો એવા જોક્સ ફોરવર્ડ કરતાં અટકજો. સ્ત્રીઓને ખોટી, ઝઘડાળું, મૂર્ખ કે સ્વાર્થી ચીતરતી એ બધી પુરુષોની રચનાઓ હોય. આ સાચી પરિસ્થિતી નથી. આવી સ્ત્રીઓ હોય પણ એ બહુ ઓછા ટકા. સાચી હકીકત આપણી ચારેબાજુ વેરાયેલી છે.

કવિતા સ્વયં સ્પષ્ટ છે. વાત ભારતીય ગૃહિણીની છે, શબ્દોને સમજવાની કે અર્થમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. નીતર્યા નીર જેવી વાણી છે. વિષય છે – સ્ત્રીઓ પ્રત્યે અન્યાય. દેખાય છે પૂરેપૂરો પણ જરાય નડતો નથી, કેમ કે આંખ અવગણવા ટેવાઈ ગઈ છે. આવી બાબતો પ્રત્યે સમાજની સંવેદનશીલતા આરામથી ચોરસ આકાર ગ્રહી લે છે.

કાવ્યમાં અમુક બાબતો કવિએ કેટલી સરસ રીતે છેડી છે !

‘એ ન્હાય છે ત્યારે ઘસી ઘસીને ધૂએ છે શમણાં’ !

હા, શમણાં એને પરવડે નહીં. એને નહાવાની ક્રિયા સાથે જોડીને કવિએ બહુ ચોટ આપી છે. માત્ર શમણાં નહી જોવાનું કહ્યું હોત તો વાત સાદી બનત. શમણાં તો રોજ આવે છે, આખરે એ માણસ છે ! રોજ નહાતી વખતે ઘસી ઘસીને ધોઈ નાખવાનાં ત્યાં કાવ્યત્વ છે.

સવારની ચાથી માંડીને રાતની પથારી, બધું જ સમયસર ! એ આખો દિવસ દોડ્યા કરે છે ને તોયે ક્યાંય ટાઈમે પહોંચતી નથી. બધાની જરૂરિયાતો સંતોષવામાં એના પ્રાણ ખર્ચાઈ જાય છે. આટઆટલું કરવા છતાં કોઈએ ક્યારેય તેને બે સારા શબ્દોથી નવાજી નથી. એના જીવને ટાઢક વળે એવી કોઈ વાત કદી ઉચ્ચારી નથી. ઘરના લોકો વાંક કાઢવાનું બંધ કરે તોય એને થોડીક હાશ થાય. ભૂલ બધાથી થતી જ હોય પણ નહીં માફ માત્ર સ્ત્રીની ભૂલ !

ઘરની એક એક ચીજને વ્યવસ્થિત, એની જગ્યાએ રાખવામાં એ પોતાને ભૂલી ગઈ છે કે એનું સ્થાન ક્યાં છે ! ઘરના તમામ સભ્યોની એક એક જરૂરિયાત પૂરી કરનાર સ્ત્રીની પોતાની જરૂરિયાત વિષે કેમ કોઈ ક્યારેય નથી વિચારતુ ? ઘરનો એક એક ખૂણો તેના વગર સ્મશાન બની જાય પણ આખું ઘર સૌની સગવડો માટે છે, સ્ત્રીને વિસામવા માટે એમાં ક્યાંય જગ્યા નથી.  

છેલ્લા શબ્દો !

‘ઊંઘ જ્યારે પોપચાને અડે છે ત્યારે જ એલાર્મ વાગે છે
અને એની હાજરીથી ખુશ થતું ઘર ખડખડ હસે છે.’

સવાર પડે છે, ચાની સુગંધથી મઘમઘતી, ખુશખુશાલ… સૌના માટે. એના માટે તો સમયના કાંટા છે, દોડ્યા કરે… 

2 thoughts on “દિવાન ઠાકોર ~ એ ઊઠે છે ત્યારે”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *