જિજ્ઞા મહેતા ~ નવા મકાનમાં
નવા મકાનમાં રહેવા ગયાં
ત્યારે પૂરત સાથે લઈ ગયેલા
માતાથી વિખૂટા પડયાની તારીખ
દરેક વાસણ યાદ અપાવતા.
મા સાફસૂફી કરતી હોય, પૂજા કરવા બેઠી હોય
કે ગોદડી બનાવતી હોય –
મા સાથેનો દરેક પ્રસંગ
હમ્મેશા શૈશવરૂપે તાજો થતો.
એકવાર માએ મને
સોયમાં દોરો પરોવવા કહ્યું હતું.
આજે એ સોયાના નાનકડા નાકામાંથી
આખે આખા પરિવારને પરોવી દીધાનો આનંદ થાય છે.
ગોદડી બનાવતી વખતે મા
પોતાનો મુલાયમ સાડલો પાથરતી
પછી તેમાં દાદાનો સદરો, બાનો સાડલો,
પપ્પાનો ઝભ્ભો, મારું ફ્રૉક, ભાઇનો બુશકોટ
લાઈનબંધ મૂકી, સાડલાને ચારેબાજુથી ઢાંકી
દોરા વડે સીવી દેતી જેથી કોઈ આઘું-પાછું ન થાય
આજે દરેક વેકેશનમાં આખું કુટુંબ મળે છે.
મા ભલે આજે કોઈને દેખાતી નથી
પણ માનો સાડલો પહેરીને કબાટમાં બેઠેલી ગોદડી
ઉઘાડવાસ થતાં બારણામાંથી બધાનું ધ્યાન રાખે છે
ને રાત્રે પોતાની ગોદમાં આખા કુટુંબને સાચવી લે છે….
~ જિજ્ઞા મહેતા
દિવ્ય ભાસ્કર @ કાવ્યસેતુ 168 @ 6 જાન્યુ. 2015 * લતા હિરાણી
કવિતાનું શીર્ષક છે, ‘ગોદડી’. સમય બદલાઈ ગયો પરંતુ ગોદડીએ કેટકેટલી પેઢીઓને શરણ આપ્યું છે, હૂંફ આપી છે એની કિમત તો જેણે એની નીચે આખો શિયાળો કાઢ્યો હોય એ જાણે. જીવનના પટ પર હવે રજાઈનો વૈભવ ભલે છવાઈ રહ્યો પરંતુ ગોદડીનું અસ્તિત્વ જે રીતે ઊઘડે છે અને સૌને ઢાંકે છે, ઢબૂરે છે એ ગોદડીને ઘરવખરીના સામાન કરતાં કંઈક વિશેષ મહત્વ આપે છે.
ઘરનાં તમામ કામો માના હાથે આટોપાય, પછી એ પૂજા હોય કે સાફસફાઈ. જૂનાં કપડાં ફેંકી દેવાને બદલે એ પ્રથા કેટલી સમજણભરી હતી ! પહેલાં સાડલો પથરાય પછી એની ઉપર બાપુજીનાં, બાનાં, પપ્પાનાં અને ભાઈબહેનોનાં જૂનાં કપડાની સિલાઈ ખોલી સમથળ કરી, સાડલા ઉપર પાથરી દેવાતા અને છેલ્લે એના ઉપર ફરી સાડલાનું બીજું પડ ! અંતે સોય દોરો લઈ એને આખું સીવી લેવાય જેથી અંદરના બધાં કપડાં એના યથાસ્થાને જળવાઈ રહે.
કવયિત્રી કહે છે કે એકવાર માને સોયામાં દોરો પરોવી આપ્યો ને હવે લાગે છે કે એ નાકામાં આખું કુટુંબ પરોવાય ગયું. મા હવે નથી પણ એની બનાવેલી ગોદડીઓ, એનો સાડલો પહેરીને બેઠેલી ગોદડીઓ ઉઘાડવાસ થતાં કબાટમાંથી સૌનું ધ્યાન રાખી રહી છે. એની નજર ને એનો સ્પર્શ સૌને હૂંફ આપી રહ્યો છે. માની સ્મૃતિને કવયિત્રીએ ઉત્તમ રીતે વણી છે.
માની મમતાનો કોઈ જોટો નથી એ ભાવ વ્યક્ત કરતી સરસ રચના. અભિનંદન.
મા ને ગોદડી ના મસે યાદ કરી. વાહ. એ દિવસો કેમ ભૂલાય!
માતા ઉપર લખાયેલ કવિતા ગમી . અભિનંદન બહેન